રાજ્યપાલએ ભુજ તાલુકાના કોડકી ગામની શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

હિન્દ ન્યુઝ, ભુજ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામની શાળાના ઓરડામાં સામાન્ય સુવિધાઓ વચ્ચે રાત્રિવિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

કોડકી ગામની પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગ શારીરિક તેમજ માનસિક રીતે તે કઇ રીતે મનુષ્યને ફાયદાકારક છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સુક્ષ્મ વ્યાયામ કરાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર કરે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે. તેમણે યોગ ઋષિ મુનિઓની દેન હોવાનું જણાવીને દોડધામ ભર્યા જીવનમાં શારીરિક બીમારી તેમજ માનસિક અશાંતિને નાથવા માટે ભારેભરખમ જીમમાં જઈને કરાતી અંગ કસરતની સાપેક્ષે નિયમિત યોગાભ્યાસ સમગ્ર શરીરને સ્વસ્થ બનાવતા હોવાનું જણાવીને તેને દૈનિક ધોરણે કરવા પર ભાર મૂક્યો હતો.

યોગ ભારતની પ્રાચીન વિરાસત છે ત્યારે તેમણે વિદ્યાર્થીઓને વહેલી સવારે કુદરતી વાતાવરણમાં યોગ કરવાના ફાયદા જણાવતા તેને રોજ કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી બુદ્ધિની તીવ્રતા વધવા સાથે એકાગ્રતા, શીતળતા વધતી હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી મંત્રના સામૂહિક જાપ કર્યા હતા. રાજ્યપાલએ બાળકોને ઓમની મહત્તા જણાવીને ભારતીય સંસ્કૃતિને જાણવા પર ભાર મુકતા બાળકોની યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.

Related posts

Leave a Comment