હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત નેજા હેઠળ ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તા. ૭ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક સુનિલ કુમાર શર્માએ કરી હતી. આ પ્રસંગે જિલ્લાભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ શ્રી શર્માએ બિલ્ડિંગ લાઈમસ્ટોન લીઝધારકોનું સ્વાગત કરી નોંધણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શિબિરમાં સહાયક ખાણકામ ઇજનેર સ્નેહલ પટેલ તથા સહાયક ખાણકામભૂસ્તરશાસ્ત્રી આશિષ પાલ દ્વારા તમામ ખાણ પ્રતિનિધિઓને IBM નોંધણી પ્રક્રિયા, ખાણ યોજના, માસિક અને વાર્ષિક પત્રકો, ડ્રોન સર્વેક્ષણ તેમજ અન્ય જરૂરી બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં 25થી વધુ ખાણ માલિકો અને તેમના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ભારતીય ખાણ બ્યુરોના શ્રી ચુનારામ દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
