“અમારી શક્તિ, અમારી પૃથ્વી”; હવે નિર્ણયનો સમય, ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ વિશેષ

હિન્દ ન્યુઝ, બોટાદ 

             પૃથ્વી એટલે આપણું એકમાત્ર ઘર. જ્યાંથી આપણે જીવન માટેની દરેક આવશ્યક વસ્તુઓ મેળવી રહ્યા છીએ. સતત આપણને સિંચતી આ પૃથ્વી આજે માનવજાતના બેદરકાર વલણને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહી છે. વધતું પ્રદૂષણ, ગાયબ થતું હરિત આવરણ, વૈશ્વિક ઉષ્ણતા અને જીવવૈવિધ્યનો સતત વિનાશ થવાના કારણે આજે ચોતરફ કુદરતી આફતો અને વિનાશ વેરાઈ રહ્યો છે. આ બધું હવે માત્ર ચેતવણી નહીં, પણ હકીકત બની ગયું છે. આ પૃષ્ઠભૂમિમાં દર વર્ષે ૨૨ એપ્રિલે ઉજવાતો વિશ્વ પૃથ્વી દિવસ માત્ર એક દિવસ નહીં પણ માનવજાત માટે એક જાગૃતિનો સંદેશ છે. વર્ષ ૨૦૨૬ની થીમ “Our Power, Our Planet (અમારી શક્તિ, અમારી પૃથ્વી)” ખાસ કરીને આ બાબત પર ભાર મૂકે છે કે પૃથ્વીનું ભવિષ્ય એ સામાન્ય નાગરિકોના સંકલ્પ અને ક્રિયાશીલતા પર નિર્ભર છે.

            પૃથ્વી પરના પરિવર્તન માટે આપણે સૌ જવાબદાર છીએ અને આ વર્ષની થીમ આપણને સમજાવે છે કે પરિવર્તન માટે શક્તિ આપણા અંદર જ છે. જો દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં નાના ફેરફારો લાવે, તો તેનું સામૂહિક પરિણામ વિશાળ બની શકે છે. આ અનોખી પૃથ્વીના પરિવર્તન માટે મોટી પહેલથી નહીં, પણ નાના-નાના રોજિંદા પગલાં જરૂરી છે. આપણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી કાપડની બેગ કે સ્ટીલની બોટલનો વપરાશ વધારી પ્લાસ્ટિક-મુક્ત જીવન અપનાવીએ. આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ. કારણ કે એક વૃક્ષ વાવવું એ એક જીવન બચાવવા સમાન છે. દરેક નાગરિકે ઊર્જાનું બિન જરૂરી વપરાશ ટાળી રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરીએ અને ભુગર્ભ જળના તળ ઊંચા લાવવાના સઘન પ્રયત્નો હાથ ધરી પાણીનું સંરક્ષણ કરીએ, પૃથ્વીના સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અંતર્ગત જાગૃતિ અભિયાનો હાથ ધરીએ.

     પૃથ્વીનું સંરક્ષણ માત્ર વ્યક્તિગત પ્રયત્નોથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને આયોજનથી પણ શક્ય બને છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલી “PRITHvi VIgyan (પૃથ્વી)” યોજના આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજના અંતર્ગત વાતાવરણ અને આબોહવા સંશોધન, મહાસાગર સેવાઓ, પોલર સંશોધન, સિસ્મોલોજી અને જીઓસાયન્સિસ જેવા ક્ષેત્રોમાં કાર્ય થઈ રહ્યું છે. હવામાન આગાહીથી લઈને ચક્રવાત, પૂર, હીટવેવ અને સુનામી જેવી આપત્તિઓ માટે સમયસર ચેતવણીઓ આપી માનવજીવનને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે.પૃથ્વીનું પાંચ તત્ત્વો સાથેનું સંકલન એટલે પૃથ્વી પ્રણાલી વિજ્ઞાન કે જે પૃથ્વી સરંક્ષણ પર સઘન કાર્ય કરે છે. આ સમગ્ર વિજ્ઞાન પૃથ્વીના પાંચ મુખ્ય ઘટકો વાતાવરણ, હાઇડ્રોસ્ફિયર, જીઓસ્ફિયર, ક્રાયોસ્ફિયર અને બાયોસ્ફિયર વચ્ચેના સંકળાયેલા સંબંધોને સમજવા પર આધારિત છે. આ સંકલિત અભિગમથી જ કુદરતી સંસાધનોનો સ્થાયી ઉપયોગ અને પર્યાવરણનું સંરક્ષણ શક્ય બને છે.

        વિશ્વ પૃથ્વી દિવસ આપણને એક સંકલ્પ લેવાનો અવસર આપે છે. “નાના પગલાંથી મોટો ફેરફાર શક્ય છે.” દરેક પૃથ્વીવાસી પૃથ્વીના જતન માટે શક્ય સઘન પ્રયત્નો કરે. તો ચાલો, આપણે સૌ મળીને પૃથ્વીને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવાના પ્રયાસોમાં ભાગીદાર બનીએ.

Related posts

Leave a Comment