બોટાદ જિલ્લામાં ડિજિટલ ક્રાંતિ તરફ એક મક્કમ પગલું: “botad.online” ડિજિટલ ડિરેક્ટરી લોન્ચ

હિન્દ ન્યુઝ, બોટાદ 

           ડિજિટલ યુગમાં નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “botad.online” નામની આધુનિક ડિજિટલ ડિરેક્ટરી તૈયાર કરવામાં આવી છે. આ પહેલ બોટાદ જિલ્લાના દરેક ગામ, તાલુકા અને શહેરને એક એકીકૃત ડિજિટલ ઓળખ આપવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

        “botad.online” પ્લેટફોર્મ પર નાગરિકોને શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, આરોગ્ય કેન્દ્રો તેમજ ધાર્મિક અને સામાજિક સ્થળોની વિગતવાર માહિતી, સંપર્ક વિગતો અને ગૂગલ લોકેશન સહેલાઈથી ઉપલબ્ધ બનશે. વધુમાં, વિવિધ સરકારી કાર્યક્રમો, જાહેર સૂચનાઓ અને બેઠકો અંગેની અપડેટ્સ હવે મોબાઈલ ફોન પર એક જ ક્લિકમાં મેળવી શકાશે.

      ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સ્ટેટ વોટર્સ અવેર્નેસ પ્રોગ્રામ (SVAP) અંતર્ગત મતદારો માટે મતદાન મથકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી મતદાન પ્રક્રિયામાં સરળતા અને ભાગીદારીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની બેઠકો, શાળાઓના કાર્યક્રમો અને સ્થાનિક ઉત્સવો જેવી માહિતી હવે સમયસર અને સરળતાથી નાગરિકો સુધી પહોંચશે. “botad.online” સંપૂર્ણપણે નિ:શુલ્ક સેવા તરીકે નાગરિકોના હિતમાં શરૂ કરવામાં આવી છે, જે ડિજિટલ સુવિધાઓ દ્વારા લોકસહભાગિતાને વધુ મજબૂત બનાવશે.

Related posts

Leave a Comment