જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ 

    આજરોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, MS/HSD (પેટ્રોલ-ડિઝલ) તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુચારુ અને સતત જળવાઈ રહે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી જિલ્લા કલેકટર આનંદ પટેલએ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય તાલીમ આપવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોને સરકારશ્રીના પરિપત્ર મુજબ જરૂરી જથ્થાની ફાળવણી કરવામાં આવે તેમજ ભાવમાં નિયમન જળવાઈ રહે તે બાબતે સૂચના આપવામાં આવી હતી.

ખેડૂતોને વાવણીની સીઝનમાં ખાતર સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું.  

યુરિયા ખાતરનો જથ્થો ખેડૂતો સુધી જ પહોંચે તે સુનિશ્ચિત કરવા વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની તથા વિતરણ પ્રક્રિયા પર પૂરતી વોચ ગોઠવવા જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી. ખેડૂતોને ખાતર બાબતે કોઈ તકલીફ ન પડે તે માટે સમયસર આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલ તથા હોસ્પિટલો માટે LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રમયોગીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૫ કિલોના કોમર્શિયલ LPG બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું. હોસ્પિટલોને LPG તથા PNGનો સતત અને પૂરતો પુરવઠો મળી રહે તે માટે ખાસ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં PNG કનેક્શનનો વ્યાપ વધારવા ગુજરાત ગેસ લિ.ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. PNG નેટવર્કના વિસ્તરણ માટે સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી મંજૂરીઓ ૨૪ કલાકમાં જારી કરવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને ભુજ શહેરમાં કુલ ૪૦ મંજૂરીઓ આપવામાં આવેલ છે અને માંડવી તાલુકાની 9 અરજીને તાત્કાલિક મંજૂરી આપી દેવા સૂચના આપવામાં આવી હતી.  

બેઠકમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા, જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મી તેમજ સંબંધિત વિભાગોના વડાઓ ઉપરાંત સરકારી તથા ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment