વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવેના આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.


વડાપ્રધાન દ્વારા લોકાર્પિત થનારા રેલવે પ્રોજેક્ટ્સ

      વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે ₹ 482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવા દરે મુસાફરી સુનિશ્ચિત કરશે, તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે-સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે.

તે સિવાય ₹257 કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું પણ વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન ખેડબ્રહ્માથી અમદાવાદ સુધીની ટ્રેનને લીલી ઝંડી આપશે જે વાયા હિંમતનગર થઇને જશે. આ ટ્રેન શરૂ થવાથી આ વિસ્તારમાં નાગરિકો માટે મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર ભારતીય રેલવેને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. છેવાડા સુધી કનેક્ટિવિટી સુનિશ્વિત કરીને નાગરિકોના મુસાફરીના અનુભવને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલોથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

Related posts

Leave a Comment