માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું આજે સાંજે ઉદ્ઘાટન: વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, પોરબંદર 

     વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી તેમજ રાત્રે ગીતાબેન રબારીનો કાર્યક્રમ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનું ઉદ્ઘાટન કાલે તા.૨૭ માર્ચના સાંજે ૬ કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

     તા.૨૭ માર્ચે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે માધવરાય નિજ મંદિર ખાતેથી વરણાગી યાત્રા નીકળશે. આ અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ તથા રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે.

    તા.૨૮ માર્ચે પણ ગાર્ડ ઓફ ઓનર સાથે વરણાગી નીકળશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ યોજાશે. રાત્રે સુપ્રસિદ્ધ કલાકારો રાજ ગઢવી અને મયુર દવે પોતાની કલાત્મક રજૂઆતથી રંગ જમાવશે.

     તા.૨૯ માર્ચે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે વરણાગી નીકળશે. આ દિવસે પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ સાથે રાત્રે સુપ્રસિદ્ધ ગાયક ઋષભ આહિરની રજૂઆત યોજાશે.

     તા.૩૦ માર્ચે સવારે ૧૦:૦૦ કલાકે રુક્મિણી મંદિરના મહંત દ્વારા મધુવન ખાતેથી ઢોલ-નગારા સાથે ભગવાન શ્રી કૃષ્ણને માધવરાયજી નિજ મંદિરે જાન લાવવા આમંત્રણ આપવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે કડછ ખાતેથી કડછા લોકો દ્વારા માધવરાય મંદિરે ભગવાનનું મામેરું પૂરવામાં આવશે.સાંજે ૪:૦૦ કલાકે માધવરાય નિજ મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની જાન પ્રસ્થાન કરાશે અને મધુવન ચોરી માયરા પૌરાણિક લગ્ન મંડપ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીની વિવાહવિધિ ભવ્ય રીતે યોજાશે.આ દિવસે ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ સાથે રાત્રે શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણમય સંગીતસભા યોજાશે.

    આ ઉપરાંત, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ૩૦ મિનિટનો સમય સ્થાનિક ગ્રુપની પ્રસ્તુતી માટે છે.

 મેળાના અંતિમ દિવસે તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દ્વારકા ખાતે રુક્મિણી સત્કાર સમારોહ યોજાશે.

    મેળાના મુખ્ય આકર્ષણો રેત શિલ્પ, ૬૫૦ ખેલાડીઓની બીચ રમતો, ઉતર પૂર્વ કારીગરો અને ગુજરાતના હસ્ત કલાના કારીગરોની કલા પ્રસ્તુતિ, ફૂડ ઝોન ચકડોળ સાથે આનંદ નગરી સહિત વિગેરે છે.

Related posts

Leave a Comment