હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન કલેકટરએ સૌ અમલીકરણ અધિકારીઓને પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે જે – જે જરૂરી બાબતો અગત્યની છે, એ પ્રત્યે વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોય એ ખુબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું.
આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે, રતનમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા, રામપુરા સહિત અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી લોકો માટે જરૂરી જીપ્સી કાર, બોટિંગ માટે બોટ, ઝીપ લાઈન, ટ્રી હાઉસ, લાઈફ જેકેટ, સોલાર લાઈટ, ટેન્ટ, રૂટ પ્લાનિંગ તેમજ શૌચાલય સહિત જે-તે પ્રવાસન સ્થળ માટે જરૂરી તમામ સુવિધાઓ માટેની તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેકટરશ્રી દ્વારા સુચના આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, ડીઆરડીએ નિયામક, પ્રાંત તમામ, જિલ્લા આયોજન અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ નાયબ વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષક વડોદરા વાઈલ્ડ લાઈફ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
