હિન્દ ન્યુઝ, નવસારી
ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ રોજ રવિવારે ગણદેવી તાલુકા કોળી પટેલ સમાજ વાડી પરિસરમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સહકારી મંડળીના અગ્રણીઓ, કાર્યકરો અને સભાસદોની ઉપસ્થિતિમાં સંસ્થાની ૭૫ વર્ષની વિકાસયાત્રા, સેવાકીય પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા.
અમૃત મહોત્સવના આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સહકારી સંસ્થાઓના યોગદાન અને રાષ્ટ્રનિર્માણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓના વિકાસ બાદ ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ છે અને ખેતી ઉત્પાદનને યોગ્ય ભાવ મળતાં તેમની આવકમાં વધારો થયો છે. ઉપરાંત, સહકારી સંસ્થાઓ જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા દેશના સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે. સાથે, તેમણે મંડળીના વિવિધ કાર્યો માટે સમસ્ત ગણદેવી સહકારી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગણદેવી વિસ્તાર ભૌગોલિક રીતે નાનો હોવા છતાં સહકારની ભાવનામાં સમૃદ્ધ છે. અહીં પ્રામાણિકતા, વિશ્વાસ અને સંઘભાવના દ્વારા સહકારી પ્રવૃત્તિઓને મજબૂતી મળી છે, જેના પરિણામે ખેડૂતો અને સભાસદો આત્મનિર્ભર બન્યા છે.
આ પ્રસંગે મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે સંસ્થાના સ્થાપક અગ્રણીઓની દીર્ઘદ્રષ્ટિને બિરદાવતા જણાવ્યું હતું કે, મંડળીની સ્થાપના તા. ૨૪/૦૩/૧૯૫૧ના રોજ થઈ હતી અને ત્યારથી સતત સભાસદોના હિતમાં કાર્ય કરતી સંસ્થા આજે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે સહકારી ક્ષેત્રે ગુજરાતના મજબૂત માળખાનો ઉલ્લેખ કરી દૂધ મંડળીઓ, સહકારી બેંકો અને સુગર ફેક્ટરીઓના યોગદાનને વિશેષ રીતે રેખાંકિત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સ્થાપકો, ભૂતપૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખો, સચિવો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો, મેનેજરો તથા કર્મચારીઓના યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું. અને, આ પ્રસંગે સહકારી ક્ષેત્રના આગેવાનો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
