૨૨ માર્ચ – વિશ્વ જળ દિવસ
છોટાઉદેપુર
સમગ્ર વિશ્વમાં ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૨૨ માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી ૧૯૯૩માં થઈ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે.
“જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે.” વિશ્વ જળ દિવસ માત્ર પાણી બચાવવાનો સંદેશ નથી, પરંતુ આ વર્ષની થીમ “વોટર એન્ડ જેન્ડર” (જળ અને લિંગ) અંતર્ગત પાણી અને મહિલાઓના અતૂટ સંબંધને સમજવાનો અવસર છે. છોટાઉદેપુર જેવા ડુંગરાળ અને આદિવાસી બહુલ જિલ્લામાં પાણી એ માત્ર જીવનની જરૂરિયાત નથી, પણ સ્ત્રીઓના આર્થિક અને સામાજિક ઉત્થાનનું માધ્યમ બન્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર અને નસવાડી જેવા તાલુકાઓનું ભૂપૃષ્ઠ ડુંગરાળ હોવાથી ઉનાળો આવતા જ જળસ્તર ઊંડા ઉતરી જતાં હતા. પરિણામે, માતા-બહેનો માટે પીવાનું પાણી મેળવવું એ એક કપરો પડકાર હતો. પરંતુ, ‘જલ જીવન મિશન’ અને ‘નલ સે જલ’ યોજનાએ અંતરિયાળ ગામડાઓમાં ઘરે ઘરે પાણી પહોંચાડી સ્થિતિ બદલી નાખી છે. આજે જિલ્લાની હજારો મહિલાઓ માત્ર ‘પાણી લાવનાર’ (Water Carriers) મટીને ‘જળનું સંચાલન કરનાર’ (Water Managers) બની છે.
સરકારના ‘વાસ્મો’ (Water and Sanitation Management Organization) દ્વારા જિલ્લાના પ્રત્યેક ગામે ‘પાણી સમિતિ’ની રચના કરવામાં આવી છે, જેમાં ૫૦% થી વધુ મહિલા સભ્યો છે. પાણીના વિતરણનો સમય નક્કી કરવાથી લઈને પાઈપલાઈનના જોડાણ સુધીના મહત્વના નિર્ણયોમાં હવે નારીશક્તિનું નેતૃત્વ દેખાય છે. ગ્રામીણ મહિલાઓ હવે પાણી વેરાની ઉઘરાણી અને હિસાબ-કિતાબનું સંચાલન પણ કુશળતાપૂર્વક કરી રહી છે.
માત્ર પાણી પહોંચાડવું પૂરતું નથી, તેની શુદ્ધતા પણ એટલી જ અનિવાર્ય છે. છોટાઉદેપુરની હજારો મહિલાઓને ‘ફિલ્ડ ટેસ્ટિંગ કિટ’ (FTK) દ્વારા પાણીની તપાસ કરવાની વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી છે. શુદ્ધ પાણી મળવાને કારણે જિલ્લામાં ટાઈફોઈડ અને કોલેરા જેવા જળજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનો સીધો લાભ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને મળ્યો છે. આ ઉપરાંત, વપરાયેલા પાણી (Grey water) ના વ્યવસ્થાપન દ્વારા આદિવાસી મહિલાઓ ઘરઆંગણે શાકભાજી ઉગાડી ‘પોષણ યુક્ત’ આહાર મેળવી રહી છે, જે કુપોષણ સામેની લડાઈમાં પણ પાયાનું કામ કરે છે. જ્યારે ઘરના આંગણે પાણી આવ્યું, ત્યારે દીકરીઓ નિયમિત શાળાએ જતી થઈ છે. પાણી ભરવા પાછળ ખર્ચાતો સમય હવે બહેનો પશુપાલન, ખેતી અને સખી મંડળો દ્વારા ગૃહ ઉદ્યોગમાં ફાળવી રહી છે, જેનાથી તેમની આર્થિક આવકમાં વૃદ્ધિ થઈ છે. ચેકડેમ અને બોરીબંધના નિર્માણમાં પણ મહિલા શ્રમિકોના પરસેવાએ જળસ્તર ઊંચા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
છોટાઉદેપુરની મહિલાઓ હવે માત્ર જળ ઉપભોક્તા નથી, પણ ‘જળ રક્ષક’ છે. જ્યારે જળ સંચયના અભિયાનમાં નારી શક્તિનો પગરવ થાય છે, ત્યારે તે માત્ર પાણીનો બચાવ નથી કરતી, પરંતુ આવનારી પેઢીનું ભાગ્ય બદલે છે.
