જામનગર ખાતે ‘મિલેટ્સ મહોત્સવ-૨૦૨૬’ નો શુભારંભ કરાવતા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી

હિન્દ ન્યુઝ, જામનગર

 હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર ‘શ્રી અન્ન’ના મહત્વને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જામનગર શહેરમાં ૨૧ અને ૨૨ માર્ચના રોજ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ યોજાયેલા આ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા મહાનગરપાલિકા કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરી મહોત્સવની રૂપરેખા આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગરના નાગરિકોને મિલેટ્સ અપનાવવા માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, બદલાતી જતી જીવનશૈલીમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચવા માટે આપણે ફરી એકવાર આપણા પૂર્વજોના પૌષ્ટિક આહાર એટલે કે બાજરી, જુવાર અને રાગી જેવા ‘શ્રી અન્ન’ તરફ વળવું અનિવાર્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે મિલેટ્સને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે, ત્યારે આપણે પણ રોજિંદા ભોજનમાં મિલેટ્સનો સમાવેશ કરી ‘સ્વસ્થ ભારત’ના નિર્માણમાં સહભાગી બનીએ તેવો હૃદયપૂર્વકનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ મહોત્સવમાં સવારે ૯:૦૦ થી રાત્રિના ૯:૦૦ કલાક સુધી નાગરિકોને જુવાર, બાજરી, રાગી, કાંગ, વરી, કજરો અને સામો જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય વિશે જાણકારી આપવામાં આવી રહી છે. મહોત્સવની મુખ્ય વિશેષતા ‘લાઈવ ફૂડ ઝોન’ છે, જ્યાં મિલેટ ફ્રેંકી, મિલેટ-પાણીપુરી, રાગી સૂપ, જુવાર-બાજરાના ઢેબરા, રાગી ઈડલી અને બાજરાની ખીચડી જેવી અવનવી વાનગીઓનો લોકો આસ્વાદ માણી રહ્યા છે. આ ઉપરાંત, મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રોડક્ટ્સના પ્રદર્શન અને વેચાણ માટે ૫૦ જેટલા વિશેષ સ્ટોલ ઉભા કરાયા છે. મહોત્સવ દરમિયાન કૃષિ વિષયક પરિસંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

Related posts

Leave a Comment