હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આયોજિત પરંપરાગત અને વિશ્વવિખ્યાત ‘ગેર મેળા’માં વન વિભાગ દ્વારા જનજાગૃતિનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વન વિભાગ, છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગેર મેળામાં ઉમટેલી વિશાળ જનમેદની વચ્ચે પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણનો સંદેશ પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાનમાં વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) આર. બી. સોલંકી તથા એ.સી.એફ. (ACF) ફતેહ મીના (IFS) સહિત આર.એફ.ઓ. (RFO)ની ટીમ અને વન વિભાગનો સ્ટાફ બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે સ્વયં જનમેદનીમાં જોડાયો હતો. અધિકારીઓએ મેળામાં આવેલા લોકો સાથે સીધો સંવાદ કરી પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું.
‘જળ, જંગલ અને જમીન’ ના રક્ષણનો સંકલ્પ ગેર મેળાના રંગીન માહોલ વચ્ચે વન વિભાગની આ ટુકડીએ ‘જળ, જંગલ અને જમીન’ ના રક્ષણ માટે લોકોને પ્રેરિત કર્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મેળામાં આવેલા લોકો માત્ર ઉત્સવ મનાવીને જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની એક જવાબદારીનો સંદેશ લઈને ઘરે પરત ફરે.
વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, જંગલ વિસ્તારની સાથે જંગલ બહાર પણ ખાલી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા. પર્યાવરણ અને સ્વાસ્થ્યના રક્ષણ માટે ઔષધીય વૃક્ષો, ફળાઉ વૃક્ષો અને ઇમારતી વૃક્ષોનો ઉછેર કરવો.આવનારી પેઢી માટે કુદરતી સંસાધનોનું જતન કરવું.
કવાંટના ગેર મેળામાં પરંપરાગત પોશાક અને વાદ્યો વચ્ચે વન વિભાગની આ પર્યાવરણલક્ષી ઝુંબેશ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગેર મેળામાં આવેલા હજારો આદિવાસી ભાઈ-બહેનો અને પ્રવાસીઓએ વન વિભાગના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ અનોખી પહેલ દ્વારા વન વિભાગે સાબિત કર્યું છે કે લોકઉત્સવો એ સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ લાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે.
