હિન્દ ન્યુઝ, ગાંધીનગર
કળા જ્યારે રગેરગમાં વણાયેલી હોય ત્યારે તે કુંડામાં રાખેલા છોડની જેમ નહીં, પણ જંગલના વટવૃક્ષની જેમ ખીલી ઉઠે છે. આવું જ કંઈક જોવા મળ્યું ગાંધીનગરના આંગણે યોજાયેલા ‘વસંતોત્સવ’માં, જ્યાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કલાકાર વજીરભાઈ કોટવાળીયાના વાંસની કલાકૃતિઓએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નેત્રંગના હાથાકુંડી ગામના આ કુશળ કારીગરોની આંગળીઓમાં જાણે જાદુ વણાયેલો છે. વજીરભાઈ કોટવાળીયા અને તેમનો પરિવાર વાંસના સાદા ટુકડાઓને કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં ફેરવી નાખે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી વાંસની વોલ ફ્રેમ્સમાં ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના પોટ્રેટ અત્યંત બારીકાઈથી કંડારવામાં આવે છે, જે જોનારાને આશ્ચર્યચકિત કરી દે છે. આ ઉપરાંત, તેઓ ઘર સજાવટ માટે આધુનિક વાંસના લેમ્પ શેડ્સ, ફૂલદાની, પક્ષીઓના કલાત્મક માળા અને આરામદાયક વાંસની ખુરશીઓ પણ બનાવે છે.
રસોડામાં ઉપયોગી એવી નાની-મોટી ટોપલીઓથી લઈને સુશોભનની વસ્તુઓ સુધીની તેમની દરેક પ્રોડક્ટમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક ફિનિશિંગનો સુંદર સમન્વય જોવા મળે છે. વાંસના રેસાઓનો ઉપયોગ કરીને જે રીતે તેઓ કુદરતી રંગો અને આકારો ઉભારે છે, તે તેમની વર્ષોની મહેનત અને હસ્તકળા પ્રત્યેના સમર્પણની સાક્ષી પૂરે છે.
વજીરભાઈ માટે આ વખતનો વસંતોત્સવ ખૂબ જ ખાસ રહ્યો છે. ચહેરા પર ખુશી સાથે તેમણે જણાવ્યું કે, વસંતોત્સવના ટૂંકા ગાળામાં જ તેમનો આખો સ્ટોલ બે વખત ખાલી થઈ ગયો હતો! એટલે કે જેટલી વસ્તુઓ તેઓ લઈને આવ્યા હતા, તેનાથી બમણી વસ્તુઓની માંગ ઉભી થઈ હતી. લોકોમાં વાંસમાંથી બનેલી ઘરવખરી અને કલાત્મક ફ્રેમ્સ માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો.
વજીરભાઈની વિશેષતા એ છે કે તેઓ માત્ર ટોપલા કે સાદડી નથી બનાવતા, પણ વાંસની પાતળી પટ્ટીઓ પર અદભૂત ચિત્રકામ અને કોતરણી કરે છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વાંસથી બનાવવામાં આવેલ એફિલ ટાવરની પ્રતિકૃતિ છે.
વસંતોત્સવમાં અપ્રતિમ લોકચાહના મેળવતા વજીરભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના સહયોગથી આ કળા આજે વૈશ્વિક મંચ પર પહોંચી રહી છે. સાથે જ વસંતોત્સવમાં અમારી પારંપરિક હસ્તકલાની સ્વદેશી બનાવટોને લોકો સુધી પહોંચાડવામાં અમને રમતગમત સાંસ્કૃતિક વિકાસ વિભાગનો પણ સહકાર મળ્યો છે. આજે મને ગર્વ છે કે અમારી પેઢી દર પેઢી ચાલી આવતી આ વાંસકામની કળાને લોકો આટલો પ્રેમ આપી રહ્યા છે. વસંતોત્સવમાં મળેલો પ્રતિસાદ અમારા આખા સમુદાય માટે પ્રોત્સાહનરૂપ છે.”
ઉલ્લેખનીય છે કે, વજીરભાઈની આ કળા માત્ર વસંતોત્સવ પૂરતી મર્યાદિત નથી. અગાઉ G-20 બિઝનેસ સમિટમાં પણ એકતાનગર ખાતે તેમના સ્ટોલની મુલાકાત દેશ-વિદેશના પ્રતિનિધિઓએ લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પણ તેમની કળાની પ્રશંસા થઈ ચૂકી છે.
