હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંલગ્ન જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજના IQAC વિભાગ દ્વારા તાજેતરમાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના આર્થિક સહયોગથી તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આયોજિત આ સેમિનારમાં વિવિધ કોલેજોના આચાર્યો, અધ્યાપકો અને આશરે ૩૦૦ જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતાના મંત્રને ગુંજતો કર્યો હતો.
સેમિનારના મુખ્ય વક્તા તરીકે રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરના કુલાધિપતિ પ્રો. ડૉ. બળવંત જાનીએ ભારતીય જ્ઞાન પરંપરા અને બંધારણીય પાસાઓ દ્વારા રાષ્ટ્રને એકસૂત્રે બાંધતા પરિબળો પર પ્રકાશ પાડ્યો હતો. બીજા મુખ્ય વક્તા પ્રો. મહેશભાઈ ઓઝાએ યુવાનોને રાષ્ટ્રીય એકતાના ‘રાજદૂત’ બનવા આહ્વાન કરી આંતર-રાજ્ય સાંસ્કૃતિક વિનિમયનું મહત્વ સમજાવ્યું હતું.
બપોરના સત્રમાં સંશોધન પત્રોની પ્રસ્તુતિ માટે ચાર સમાંતર (પેરેલલ) ટેકનિકલ સેશન યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોએ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના વિવિધ પાસાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સત્રોનું સંચાલન કોલેજના જ નિષ્ણાત અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધતામાં એકતા જ ભારતની સાચી શક્તિ છે. વિશેષ ઉપસ્થિત બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. આર. પી. ભટ્ટે ૧૯૦૨થી ચાલી આવતા કોલેજના ઐતિહાસિક વારસાને રાષ્ટ્રીય ચેતના સાથે જોડી પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. ઉદ્ઘાટન સત્રનું સંચાલન ડૉ. દીપિકા કેવલાણીએ કર્યું હતું.
આ રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોના પ્રતિષ્ઠિત આચાર્યઓ સર્વ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ, ડૉ. રાજેશ રાઠોડ, ડૉ. કે. એસ. મેઘનાથી, ડૉ. બલરામ ચાવડા, ડૉ. મગનભાઈ ત્રાડા, ડૉ. દિનેશ ડઢાણિયા, ડૉ. જમકુબેન સોજિત્રા, ડૉ. પરવેઝ બ્લોચ, ડૉ. એ. પી. મ્યાત્રા અને ડૉ. ડી. વી. દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
સમાપન સત્રના અધ્યક્ષ સ્થાનેથી ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમન ખાચરે ઇતિહાસના દ્રષ્ટિકોણથી સાંસ્કૃતિક સહઅસ્તિત્વનું મહત્વ સમજાવ્યું હતું. આ સત્રનું સંચાલન ડૉ. ભરત રાઠોડ અને આભારવિધિ ડૉ. દિના લોઢિયાએ કરી હતી. સમગ્ર સેમિનારને સફળ બનાવવા કન્વીનર ભાવિક એલ. ચાવડા, કો-કન્વીનર ડૉ. જીતેન પરમાર, NSS અને NCC ના સ્વયંસેવકો તથા ઓર્ગેનાઇઝીંગ કમિટીએ જહેમત ઉઠાવી હતી.
