હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
તા.૧૭.૦૨.૨૦૨૬ મંગળવારના દિવસે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે માન્ય રાજકીય પક્ષો સાથે આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ બેઠક યોજી મતદારયાદી તથા સેવા મતદારોની વિગત દર્શાવતી યાદીની નકલ તથા મતદારયાદીની સોફ્ટ કોપી આપવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ – ૨૦૨૬’ અંતર્ગત આજરોજ જિલ્લાની ૧૭૩-ડાંગ વિધાનસભા બેઠક માટેની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આખરી મતદારયાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, તમામ મતદાન મથકો, તમામ ગ્રામ પંચાયતો તથા નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે.
ઉપરાંત સેવા મતદારો માટેના છેલ્લા ભાગની મતદારયાદીની પણ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જેથી તમામ મતદારોને પોતાના નામની ચકાસણી કરવાની સુવિધા ઉપલબ્ધ બને.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શાલિની દુહાને જણાવ્યું હતું કે, ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારમાં અગાઉ નોંધાયેલા ૨૦૧૬૮૨ મતદારો પૈકી ૧૯૦૫૬૧ મતદારો યથાવત રહ્યા છે તથા ૪૦૯૨(Net Addition) નવા મતદારો ઉમેરાયા છે. આજ રોજ પ્રસિદ્ધ થયેલ ડાંગ જિલ્લાની મતદારયાદીમાં કુલ ૧૯૪૬૫૩ મતદારોનો સમાવેશ થયેલ છે. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રજા જોગ સંદેશ આપતાં જણાવ્યું છે કે, “લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે દરેક પાત્રતા ધરાવતા નાગરિકનું નામ મતદારયાદીમાં હોવું અનિવાર્ય છે. આખરી પ્રસિદ્ધિ બાદ પણ જો કોઈ ક્ષતિ જણાય તો નિયત ફોર્મ ભરીને સુધારો કરાવી શકાય છે.”
