મધ્ય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં પ્રિપેટરી વિભાગમાં પ્રથમ નંબર મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કરતી ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળા

હિન્દ ન્યુઝ, ડાંગ

    તારીખ ૯,૧૦,૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન મધ્યઝોન કક્ષાનો ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ દ્વારા નોલેજ કેમ્પસ, વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કુલ ૭ જીલ્લાના ઈનોવેટર શિક્ષકો દ્વારા પોતાના ઈનોવેશનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાના મુ.શિ. ભારતસિંહ રાઠવા દ્વારા “સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ” શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલ ઈનોવેશને પ્રીપેટરી વિભાગ (ધોરણ ૩થી ૫) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું.

માળ ફળિયા વર્ગ, બોઘડવા પ્રાથમિક શાળાના મુ.શિ.શ્રી ભારતસિંહ રાઠવા દ્વારા “ સમયદાન થકી શાળાનો સર્વાગી વિકાસ” શીર્ષક ઉપર રજૂ કરવામાં આવેલ ઈનોવેશનની શરૂઆત વર્ષ ૨૦૧૭ થી કરવામાં આવી હતી. શાળા સમય પહેલાં, શાળા સમય પછી અને રજાના સમયમાં શિક્ષકો, બાળકો અને વાલીઓ દ્વારા કરવામાં આવેલ સમયદાન થકી મળેલા પરિણામોની વાત કરીએ તો ઇનોવેશન પહેલા શાળાની રજી.સંખ્યા ૬૩ હતી જે આજે વધીને ૧૧૭ થઇ છે.

આજે બાળકોની સરેરાશ હાજરી ૯૨% જેટલી રહે છે. ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ૧૨૨, જીલ્લા કક્ષાએ ૭૧, રાજ્ય કક્ષાએ ૯ ખેલાડીઓ વિજેતા બનીને રૂપિયા ૬,૪૪,૪૦૦ જેટલી રકમ રોકડ પુરસ્કારમાં મળેલ છે. ૧ ખેલાડીએ લાંબીકૂદ અને ઉંચીકૂદમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે. ૧૭ બાળકોની પસંદગી DLSS માં થઈ છે. ઈનોવેશન પછીના તમામ ગુણોત્સવમાં શાળાએ A+ ગ્રેડ મેળવેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના ગુણોત્સવમાં શાળાએ ૮૯.૫% મેળવીને સમગ્ર દાહોદ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. 

એ સાથે હાલની સ્થિતિએ શાળા પરિસરમાં ૨૨૦ જેટલા ઝાડ છે, જે પૈકી ૧૩ પ્રકારના ફળો શાળા પરિસરમાં લાગતા થઈ ગયા છે. ૨૦ બાળકો CET પરીક્ષામાં મેરીટમાં આવીને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. આજે રૂપિયા ૬,૧૦,૭૭૦ જેટલી રકમ લોક-ભાગીદારીમાં મળેલ છે. ઈનોવેશન પછી કલા મહાકુંભ અને મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત લગ્નગીત અને લોકગીતમાં જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે. વાર્તા કથન સ્પર્ધામાં સતત ૨ વાર જીલ્લા કક્ષાએ પ્રથમ આવીને ઝોન કક્ષાએ દાહોદ જીલ્લાનું નેતૃત્વ કરેલ છે. 

અત્યાર સુધીમાં શાળાએ ૧૧ ઇનોવેશન જીલ્લા કક્ષાએ રજૂ કરેલ છે. રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં જીલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ આવીને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. NEP ૨૦૨૦ માં સમુદાયને શાળા સાથે જોડવું, બાળકનો ૩૬૦ ડીગ્રી હોલીસ્ટીક ડેવલોપમેન્ટ થાય તથા બાળક મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે આ ત્રણ બાબતો ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે આ ત્રણેય લક્ષ્યાંક સિદ્ધ કરવામાં શાળા સફળ રહી છે.

શાળા આચાર્યશ્રી ભારતસિહ રાઠવા સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે, જો શાળા સમય પહેલાં, શાળા સમય પછી અને રજાના દિવસોમાં સમયદાન કરવામાં આવે તો શાળાનો સર્વાગી વિકાસ થઇ શકે છે. બાળકનું ઉત્તમ ઘડતર થઈ શકે છે. દેશને પરમ વૈભવ સુધી પહોચાડવામાં આ ઈનોવેશન મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. શાળાના તમામ બાળકો પાછળ વ્યક્તિગત સમય આપી તેઓ આગળ વધે, નવું કંઇક શીખે એ માટે મારા તરફથી સતત પ્રયત્નો રહે છે. આમ, આ શાળાના આચાર્ય આગામી સમયમાં રાજ્ય કક્ષાએ મધ્ય ઝોનનું નેતૃત્વ કરશે જે દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે. 

Related posts

Leave a Comment