હિન્દ ન્યુઝ, જૂનાગઢ
રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે જૂનાગઢમાં વર્ષ ૨૦૨૬ના મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધી નો આશરે ૩.૧ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ વર્ષે મેળાનો વ્યાપ ગિરનાર દરવાજા અને ભરડાવાવ દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીનો રહેનાર છે. આશરે ૩.૧ કિલોમીટરનો આ સમગ્ર રૂટ પર સવિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ મહાદેવની શિવ આરાધનાના ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવતી થીમ પર સુશોભિત કરવામાં આવી રહ્યો છે.
રૂટમાં આવતા છ જેટલા પ્રવેશ દ્વારોને વિશેષ લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવશે. ભાવિકો માટે ૧૧ જેટલા સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવશે, જ્યાં ભવ્ય મૂર્તિઓ, પેઇન્ટિંગ્સ અને આકર્ષક લાઈટિંગની વ્યવસ્થા હશે. રૂટ પરના ૨૫૦ જેટલા વૃક્ષોને લાઈટિંગથી હાઈલાઈટ કરાશે અને ૧૦૦થી વધુ વીજપોલને ભગવા રંગ તથા વિશેષ લાઈટિંગથી સુશોભિત કરવામાં આવશે.
રૂટ પર રસ્તાની ખુલ્લી દીવાલો પર મહાશિવરાત્રી થીમ આધારિત પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, નિયોન લાઈટ્સ, પાર લાઈટ્સ અને શાર્પી લાઈટ્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એક અદભૂત ઈમેજ ઉભી કરવામાં આવશે.
તેમજ રૂટ પર અલગ-અલગ સ્થળોએ મહાદેવ અને ભગવાન દત્તાત્રેયની ભવ્ય પ્રતિમાઓ મુકવામાં આવશે. આ વખતે હોર્ડિંગ્સના બદલે ત્રિપરિમાણીય (3D) ચિત્ર ઉપસ્થિત થાય તે પ્રકારનું વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવશે.
ભક્તિમય વાતાવરણ સમગ્ર રૂટ પર ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી અલગ-અલગ પોઈન્ટ્સ પર સતત મંત્રોચ્ચાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાતાવરણ પૂર્ણપણે ભક્તિમય બની રહે.
સુશોભન સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય મેળામાં પધારવા અને ભક્તિમય વાતાવરણનો આનંદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
