હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના શીલ ખાતેના આઈટીઆઈમાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના અંદાજે રૂ.૯૯ લાખના ૪૪ વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં જન સુખાકારીમાં વધારો કરતા અંદાજે રૂ. ૨૨.૭૭ લાખના ૧૧ ખાતમુહૂર્ત અને રૂ. ૭૬.૫૧ લાખના ૩૩ લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સંવેદનશીલ અભિગમથી સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. તેમણે આ તકે જ્યોતિગ્રામ યોજના, આયુષ્યમાન ભારત અને માં અમૃતમ યોજના, ઉજ્જવલા યોજના, ખેડૂતો અને માછીમારો માટે આર્થિક સુરક્ષા માટે લેવામાં આવેલ નિર્ણય, આ ઉપરાંત, પીએમ-કિસાન યોજના, માછીમાર પરિવારો માટે પણ મત્સ્ય સંપદા યોજના નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત સરકાર દ્રારા મગફળીની ટેકાના ભાવે ખરીદી, તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ અંગે સરકારના ત્વરિત નિર્ણયની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, કોઈ પણ અરજી કે રજૂઆત વગર ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે, સરકાર અત્યારે પોતાની જવાબદારી અને કર્તવ્ય ભાવથી જનતાની સેવા કરી રહી છે.
આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ, સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૧૫ જેટલા સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મધ્યમથી ૫૬ જેટલી સેવાઓનો ૧૮૩૦ જેટલા લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો.
આ તકે સેવા સેતુ કાર્યક્રમ તથા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગો અંગેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં માંગરોળ તાલુકાના શીલ, સાંગાવાડા, ઝરિયાવાડા, તલોદ્રા, લોએજ, દિવાસા, આંત્રોલી, રહીજ, બામણવાડા, અને કંકાસા ગામના લોકોએ લાભ લીધો હતો
આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. જય ત્રિવેદી,તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા ભાજપ સંગઠન સભ્યઓ, સરપંચઓ, કેશોદ પ્રાંત અને આસિસ્ટન્ટ કલેક્ટર, માંગરોળ મામલતદાર, ટીડીઓ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
