જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું કરાયું વિમોચન

હિન્દ ન્યુઝ, વડોદરા 

    પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આ પુસ્તક ખાસ રીતે તૈયાર કરાયું.

     જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વડોદરા ખાતે એસ.એસ.સી. બોર્ડની માર્ચ–૨૦૨૫ની પરીક્ષામાં 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે આ પુસ્તક ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. 

    આ કાર્યક્રમ અંતર્ગત સાવલી તથા ડેસર તાલુકાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વડોદરા જિલ્લાની અન્ય શાળાઓને કુલ ૫,૦૦૦ કરતાં વધુ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. આ પુસ્તક વિદ્યાર્થીઓને વિષયવાર માર્ગદર્શન, પ્રશ્નોત્તરી આધારિત અભ્યાસ અને પરીક્ષાલક્ષી તૈયારીમાં મદદરૂપ બનશે. ઉપરાંત, આ પુસ્તકની ઈ-કોપી પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. 

    આ પ્રસંગે કેજેઆઇટી, સાવલીના ટ્રસ્ટી સમીરભાઈ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવી શૈક્ષણિક પ્રગતિ માટે શિક્ષકો અને શાળાઓને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment