હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા સુરતના અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’ને કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ચાર દિવસીય અશ્વ શોમાં ટેન્ટ પેગિંગ, બેરલ રેસ, ગરો લેવો, સંગીત ખુરશી, હોર્સ ડાન્સની સ્પર્ધાઓ યોજાશે. સુરતના આ આંગણે અંદાજે ૨૫૦ જેટલા ઉત્કૃષ્ટ અશ્વોના શૌર્ય અને સુંદરતા જોવા મળશે.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અશ્વ એ આપણા શૌર્ય અને શુભનું પ્રતીક છે, અને અશ્વો પ્રત્યેની લાગણી અજોડ હોય છે. આ અશ્વ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અશ્વ નસલોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનો છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે અને નવી પેઢી આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તેવો આ શો ના માધ્યમથી અમારો પ્રયાસ છે.
ગુજરાતની અશ્વ સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર પ્રયાસરત એમ જણાવી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં અશ્વ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ હોર્સ શોની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાઠિયાવાડી, કચ્છી, રાજસ્થાની અને સિંધી જેવી વિવિધ બ્રીડના જતન માટે હોર્સ સોસાયટીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
