હિન્દ ન્યુઝ, સુરત
જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી છે. ગંભીર બીમારીઓમાં સૌને આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે યોજના કારગત નીવડી છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજયના નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહી છે.
વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બનેલી આયુષ્માન ભારત યોજનાએ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં એક નવો વિશ્વાસ જગાડ્યો છે. હવે ગરીબ પરિવારોએ મોંઘી સારવારના ડરથી હોસ્પિટલ જવાનું ટાળવું પડતું નથી. તેઓને વિનામૂલ્યે ગંભીર પ્રકારના રોગોની સારવાર મળી રહે છે.
પી.એમ.જે.એ.વાય. અંતર્ગત સુરત જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધી સુરતમા ૨૧,૭૮,૮૭૪ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. PMJAY ‘વયવંદના’ અંતર્ગત સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૨,૦૩,૫૯૧ જેટલા ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સુરતમાં ૧,૧૫,૯૩૨ લાભાર્થીઓએ પ્રાઇવેટ હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવારનો લાભ મેળવ્યો છે.
