કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ ખરેડી ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત વર્ષ ૨૦૨૫-૨૬ નો ૧૧ મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કલેકટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, શિક્ષણની શરૂઆત જ આંગણવાડીથી થાય છે. નાનકડાં બાળકોમાં નાનપણ થી જ સારા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો વિદ્યાર્થીઓને વાંચન-ગણન-લેખનની સાથે તેઓ આગળ વધી સક્ષમ બને એ માટેના પ્રયત્નો કરે એ જરુરી છે. બાળકોને બેઝિક જ્ઞાન આપવા સાથે માર્ગદર્શક તરીકેની મહત્વની જવાબદારી શિક્ષકોએ કરવાની હોય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બાળકો જે જુએ છે તેને ઝડપથી અનુસરે છે, તેથી સજાગ રહીને સારા આચરણ થકી સારા વ્યક્તિ બની ને કામગીરી કરીશું તો આપણા બાળકો પણ આગળ જતાં સક્ષમ બનશે. તેમને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં. સૌ શિક્ષકો આદર્શ શિક્ષકો બની પોતાની કામગીરી જવાબદારી પૂર્વક કરે તે તરફ આગળ વધવાનું છે.

આ નિમિતે કલેકટરના વરદ હસ્તે ઇનોવેશન બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે શિક્ષકોને ઇનામ વિતરણ કરી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અંતે કલેકટરના વરદ હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરી સૌ સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી હતી.

આ દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતસિંહ બારીયા, ડાયટ પ્રચાર્ય મુનિયા, જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારા, ડાયટ સ્ટાફ સહિત અન્ય પદાધિકારીઓ – અધિકારીઓ તેમજ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

000

Related posts

Leave a Comment