હિન્દ ન્યુઝ, દાહોદ
પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. તેથી દાહોદ જિલ્લાની તમામ જનતાને જણાવવાનું કે ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા.
પક્ષીઓ ઘાયલ થતા બચાવવા આટલું કરીએ
વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળીએ.
અકસ્માતે પક્ષીઓ દોરામાં ફસાય તો દોરી ન ખેચતા ઢીલ મુકવી.
લાઉડસ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે.
પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળીએ.
ઘાયલ પશુ-પક્ષીને સમયસર નજીકના પશુ સારવાર કેન્દ્રો અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોચાડીએ.
સમગ્ર ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુપાલકો પોતાના પાલતુ પશુઓને બાજરી/ઘૂઘરી/જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવે જો વધારે પ્રમાણમાં પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને આફરો/ફૂડ પોઈઝનીગ થવાની સંભાવના વધી જાય જેથી પશુઓ મરણ પામે છે. તો પશુઓનું મરણ પ્રમાણ અટકાવવા બાબતે દરેક તાલુકા કક્ષાએ પ્રચાર-પ્રસાર કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
