હિન્દ ન્યુઝ, નવસારી
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણ અને જળ સંચયના મહત્વકાંક્ષી કાર્યોનો ‘ખાતમુહૂર્ત સમારોહ’ ચીખલી તાલુકાના આમધરા ખાતે ભવ્ય રીતે આયોજિત હતો.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકીકરણ અને જળ સંચયના કુલ ૧૫૪ કામોનું ‘ખાતમુહૂર્ત અને ઈ તખ્તી અનાવરણ’ આમધરા હાઈસ્કુલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજિત રૂ. ૧૯૯.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે ૪૫૨૦.૧૭ હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ મળશે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, જળ સંપતિ, પાણી પુરવઠા વિભાગ ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.
આ સમારોહમાં ત્રણ મુખ્ય વિભાગમાં વહેચણી કરી હાથ ધરવામાં આવનાર કાર્યોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંબિકા વિભાગ (નવસારી) માટે રૂ. ૭૪.૦૦ કરોડના ખર્ચે નહેર આધુનિકીકરણ, સ્ટ્રક્ચર્સ અને રોડના ૨૪ કામો, ઉકાઈ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ નં-૨ (વાલોડ) માટે રૂ. ૧૧૩.૪૨ કરોડના ખર્ચે નહેર આધુનિકીકરણ અને ચેકડેમના ૭૦ કામો તેમજ પંચાયત સિંચાઈ વિભાગ (નવસારી) માટે રૂ. ૧૨ કરોડના ખર્ચે ચેકડેમ, વેસ્ટ વીયર અને પ્રોટેક્શન વર્કના ૬૦ કામો પૂર્ણ કરી આધુનિક ઢબે જળ સંચય કરવામાં આવશે.
આ કામો મુખ્યત્વે નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી તાલુકાઓ અને વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાને આવરી લેશે. નહેર આધુનિકીકરણથી પાણીનું લીકેજ અને સિપેજ અટકશે, જેથી છેવાડાના ખેડૂતોને સમયસર પૂરતું સિંચાઈનું પાણી મળી રહેશે. વધુમાં, નહેરો પર રસ્તા બનવાથી ખેડૂતોને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે અને અકસ્માતોમાં ઘટાડો થશે. ચેકડેમોના નિર્માણથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે લાંબા ગાળે ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ અવસરે ઉપસ્થિત ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરતા આ પ્રોજેક્ટ્સ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને ભૂગર્ભ જળના સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થશે. નહેર આધુનિકીકરણના આ કામોથી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની ક્ષમતામાં વધારો થશે, જે કૃષિ ઉત્પાદન વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, ઉદ્વાહન jevi યોજનાઓને લીધે આજે ગામે ગામ લોકોને મીઠા પાણી મળે છે.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉકાઈ અને કાકરાપાર થી નવસારી અને વલસાડના અંતરિયાળ ગામડાઓ સુધી પાણી પહોંચાડવાનો સરકારનો સનિષ્ઠ પ્રયાસ છે. જળ સંચય માટે કેન્દ્ર સરકારે આગામી પંચવર્ષીય યોજનામાં ૨ લાખ કરોડની જોગવાઈ કરેલી છે.
કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશભાઈ પટેલ તેમજ ભરતભાઈ પટેલ, ચીખલી પ્રાંત અધિકારી હિતેશભાઈ પટેલ, સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર આર.એમ પટેલ, પી.કે પટેલ,એસ.બી.દેશમુખ, એ. કે. પટેલ, એલ.કે ગરાસિયા અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. નવસારી કલેક્ટર ક્ષિપ્રા એસ. આગ્રે અને સચિવ (જળસંપત્તિ) પી.સી. વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂત મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રકલ્પ પૂર્ણ થતા આગામી સમયમાં નવસારી અને વલસાડ જિલ્લાની ખેતી અને જળ વ્યવસ્થાપનને એક નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
