હિન્દ ન્યુઝ, ધરમપુર
મુલુંડ (પશ્ચિમ) વિસ્તારના શ્રી કૃષ્ણધામ, રિચાર્ડસન ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે આવનારા દિવસોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળશે. શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ માટુંગા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ આ વખતે વિશેષતા સાથે નોંધાશે, કારણ કે અહીં ૫૦૧ પોથીજીના એકસાથે પારાયણનું ઐતિહાસિક આયોજન થવાનું છે.
આ પવિત્ર કથાનો આરંભ તારીખ ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન થશે. રોજ સાંજે સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી કથાપ્રવચનનો કાર્યક્રમ યોજાશે.
આ કથાના વક્તા છે યુવા ભાગવતાચાર્ય પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ, જેમની વાણીમાં આધ્યાત્મિક ઉર્જા, ભાવભક્તિ અને જીવનમૂલ્યોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. તેમની કથા માત્ર શ્રવણ નહીં, પણ ભક્તોના હૃદયમાં સંસ્કાર અને જીવનની દિશા દેખાડનારી છે.
કથાનું મુખ્ય આકર્ષણ — ૫૦૧ પોથીજીનું એકસાથે પારાયણ, મુલુંડમાં પ્રથમવાર થતું ધાર્મિક આયોજન — સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે. “कथा भागवतस्यापि नित्यं भवति यद्गृहे । तद्गृहं तीर्थरूपं हि वसतां पापनाशनम् ॥” આ ભાગવત શ્લોક મુજબ, જ્યાં શ્રીમદ્ ભાગવત કથા થાય છે, તે સ્થાન પોતે જ તીર્થ બની જાય છે.
આ ભાવનાને સાકાર કરવા માટે શ્રી કચ્છી લોહાણા સેવા મંડળે સમગ્ર આયોજન અત્યંત ભવ્ય રીતે તૈયાર કર્યું છે. કથાસ્થળે રોજ આરતી, પ્રસાદ વિતરણ તેમજ ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.
કથાના પ્રમુખ આચાર્ય શ્રી દિપકભાઈ ખરાશંકાર પંડ્યા તથા મંડળના અન્ય સભ્યોના માર્ગદર્શન હેઠળ કથાનું સુવ્યવસ્થિત આયોજન થઈ રહ્યું છે. મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “આ કથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સમાજમાં ભક્તિ, એકતા અને સેવા ભાવનાને મજબૂત બનાવનાર એક પવિત્ર મહોત્સવ છે.”
શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ વર્ષોથી સામાજિક, ધાર્મિક અને માનવસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને સમુદાય વિકાસ જેવી પ્રવૃત્તિઓમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. હવે આ ભાગવત કથા દ્વારા મંડળ સમાજમાં સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ ફેલાવવા માટે એક નવા યજ્ઞની શરૂઆત કરી રહ્યું છે.
આવતા ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન, મુલુંડનું શ્રી કૃષ્ણધામ બની રહેશે ભક્તિનો, સેવા અને સંસ્કારનો કેન્દ્ર — જ્યાં શ્રીમદ્ ભાગવતના પાવન શ્લોકો સાથે આખું મુલુંડ શ્રીકૃષ્ણમય બની જશે.
