હિન્દ ન્યુઝ, નર્મદા
ભારત પર્વ 2025
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી અંતર્ગત એકતાનગર રંગબેરંગી લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સરદાર પટેલની પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝળહળી ઉઠ્યા.
પ્રકાશ પર્વ પેવેલિયનમાં 5 પ્રકારની LED લાઈટિંગ ટેક્નોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું; સાથે જ મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ, પક્ષીઓ – પ્રાણીઓ, વૃક્ષો – ફૂલો, ધાર્મિક ચિહ્નો, સૌરમંડળની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશરૂપે વ્યક્ત કરાયા.
સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઈન કરાયેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ્યુ

ભારતીય સંસ્કૃતિમાં ‘પ્રકાશ’નું સ્થાન અંધકાર દૂર કરવાની સાથે આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું છે. આજના યુગમાં લાઈટિંગ એક આર્ટ બની ગયું છે અને ભારતીય લાઈટિંગ શૈલીની ઝલક પેરિસના ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ અને દુબઈના ‘લાઈટ ડોમ શો’માં જોવા મળે છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારત પર્વની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે એકતા નગર કલરફૂલ લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે.

