કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકાસ શપથ ગ્રહણ કર્યા

હિન્દ ન્યુઝ, વડોદરા

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સેવાકાળને ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મનાવાઇ રહેલા વિકાસ સપ્તાહનો વડોદરા જિલ્લા વ્યાપી પ્રારંભ થયો છે. પ્રારંભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, ધારાસભ્ય કેતનભાઇ રોકડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિકાસ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા કચેરીઓમાં પણ આ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. 

રાજ્ય સરકારના તમામ વિભાગોને સાંકળીને વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. 

આ સપ્તાહ દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં નાગરિકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે. 

યુવા સશક્તિકરણ કાર્યક્રમ, આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી મેળાઓ, આરોગ્ય, કૃષિ વિભાગની યોજનાઓ, ઉદ્યોગસાહસિક્તા, રોજગારીને લગતા કાર્યક્રમો વડોદરા જિલ્લામાં યોજાશે. જિલ્લાના તમામ તાલુકાના મહત્વના ગામોમાં વિકાસ રથની સાથે કાર્યક્રમો યોજાશે. 

કલેક્ટર કચેરીમાં યોજાયેલા વિકાસ શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

 

 

Related posts

Leave a Comment