હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરા જિલ્લામાં આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા ૫૫ ગામોમાં વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા આદિ કર્મયોગી અભિયાન દરમિયાન પ્રત્યેક ગામનો વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગાંધી જયંતી સુધી ચાલેલા આ આદિસેવા પર્વ અંતર્ગત તમામ ગામોમાં આદિ સેવા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.
ભારત સરકારના આદિકર્મયોગી અભિયાન અંતર્ગત તા. ૨ ઓક્ટોબર સુધી ” આદિસેવા પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વડોદરા જિલ્લાના ૮ તાલુકાના ૫૫ ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટ્રાન્સેસેક્ટ વોક, ગ્રુપ ડિશક્શન, જન જાગરણ, તથા ગેપ એનાલીસી કરીને દરેક ગામમાં વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત ૧૪૯ આદિસાથી અને ૧૯૦ આદિસહયોગીને જોડવામાં આવ્યા છે તથા આદિસેવા પર્વ દરમિયાન દરેક ગામમાં આદિસેવા કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સેવા કેન્દ્રોમાં ગામના લોકો પોતાની જરૂરીયાતો, રજૂઆતો, તથા અપેક્ષાઓ રજૂ કરી શકશે. તા. ૨ ઓક્ટોબરના રોજ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ ગ્રામસભાઓમાં ગ્રામજનો દ્વારા વિલેજ એકશન પ્લાનને સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી. ગામના વિકાસ માટે તૈયાર કરાયેલ વિલેજ એકશન મેપ રજૂ કરવામાં આવ્યા હતા અને ગામજનોની ભાગીદારીથી આ નકશાને આદિ સેવા કેન્દ્રની દિવાલ પર ચિત્ર સ્વરૂપે આલેખવામાં આવશે. જેથી ગામના દરેક વ્યક્તિ સુધી આ યોજના પહોંચે.
આ પ્રસંગે આદિવાસી સમાજને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે તેમના હક્કોને મજબૂત બનાવવાના પ્રયાસો, હક્કો અંગે જાગૃતિ અને શૈક્ષણિક સાક્ષરતા ફેલાવવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ ગામજનોને પોતાની વિકાસયોજનામાં ભાગીદાર બનાવીને, પારદર્શકતા, જવાબદારી અને સામૂહિકતા વધારવાનો છે. આ સાથે આદિવાસી સમાજમાં હક્કોની જાગૃતિ લાવીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પણ પ્રયત્ન છે.
