રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ નિમિત્તે વનમંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે ગાંધીનગરના વનચેતના કેન્દ્ર સ્થિત રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

ઉલ્લેખનીય છે કે, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન વનકર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.



પ્રકૃતિના અભિન્ન અંગ સમાન વન સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે.

પ્રાકૃતિક સંપદા એવા વન્ય વિસ્તારો અને સમગ્ર વન્ય સૃષ્ટિના રક્ષણ કરતાં શહાદતને વરેલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજનો ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિસ્તારોના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ‘વનપાલ સ્મારક’ના નિર્માણ થકી વન શહીદોના સાહસ, શૌર્ય અને બલિદાનની સ્મૃતિને ચિરંજીવ રાખવામાં આવેલ છે.

આવો, આપણે સૌ વન અને વન્યજીવોનું રખોપું કરતા વીર વનકર્મીઓના યોગદાન અને બલિદાનને બિરદાવીએ તથા કુદરતની આ અમૂલ્ય ભેટના રક્ષણ પ્રત્યે વધુ સજાગ અને સંવેદનશીલ બનીએ.

Related posts

Leave a Comment