હિન્દ ન્યુઝ, બોટાદ
ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે જોટિંગડા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ શાળાના આચાર્ય પ્રવિણસિંહ વનારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન. મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સારા અને ખરાબ સ્પર્શ અંગે ડેમો દ્વારા માહિતી તેમજ 1098 હેલ્પલાઇન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા 181 હેલ્પલાઇન તેમજ તેના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી. મહેશભાઈ સોલંકી તેમજ નીતાબેન ભેડા દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સખી વનસ્ટોપ સેન્ટરના મીનાબેન દ્વારા આશ્રય તેમજ સખી વનસ્ટોપ સેન્ટરની કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષક હિરેન ગોહિલ દ્વારા બોટાદ પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
