હિન્દ ન્યુઝ, કાલાવડ
ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી જગદીશમુનિ મ.સા. સુશિષ્ય પૂજ્ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે પર્યુષણ મહાપર્વ નાં દ્વિતીય દિવસે ૨૧/૮/૨૫ નાં રોજ શ્રી વણિક જૈન સંઘ કાલાવડ (શિતલા) માં ‘ભીતરથી સુંદર થવાનું છે’ વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે, ભગવાન મહાવીરે બતાવેલ સનાતન મહામાર્ગ ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ છે. ત્યાગભાવ અને વૈરાગ્યભાવ સ્વતંત્રતાથી પ્રગટે, કોઈનાં પર કોઈ વાત કે વિચાર થોપવાથી ન પ્રગટે. વર્તમાન સમયે ધર્મસ્થાનકો અને મંદિરોમાં યુવાનોને લાવવા હોય તો પૈસા માંગવાનું અને પચ્ચકખાણ આપવાનું બંધ કરવું જોઇએ. સંતો પચ્ચકખાણ આપવાનું અને સંઘો પૈસા માંગવાનું બંધ કરશે તો ધર્મસ્થાનોમાં યુવાપેઢી ને આવવાનું મન થશે.
હું કહું છું એ જ માનો એમ હું નથી કહેતો, મારી વાત જ સાચી છે, એવું પણ નથી કહેતો. પરંતુ મારી વાત તમને તર્ક બુદ્ધિથી યોગ્ય લાગે તો તે વાત સ્વીકારી તેનું અનુકરણ કરજો.
ધર્મ સમાજ ને ઉભો કરવા માટે છે. ધર્મ સમાજ વ્યવસ્થાને ટકાવવા માટે છે. ધર્મ સમાજનાં વિનાશ માટે નથી, ધર્મનાં નામે દુકાનો ખુલી ગઈ છે, તે બંધ થવી જોઈએ તે બંધ કરવી કરાવવી તે ચતુર્વિધ સંઘનું કર્તવ્ય છે. ધર્મસ્થાનમાં લેવા માટે નહી, આપવા માટે આવો. લેવું હોય તો ધર્મભાવ લઈ જાવ, અધર્મભાવ છોડી જાવ.
ભગવાન મહાવીર નાં જીવન ને જોતાં સમજાય છે કે ભીતરથી સુંદર થવાનુ છે. બહારનું સૌંદર્ય નિરખીને આ જીવાત્મા ભવોભવ રખડ્યા કર્યો. હવે સાચી સમજણથી મારે જીવન જીવવું છે એ ભાવ કેળવવો જોઈએ. એ જગ્યા પર બેસવાનું બંધ કરો, જયાં લોકો અન્યની નિંદા કરતા હોય કારણકે તમે ત્યાંથી નીકળી ગયા પછી તેમની નિંદાનો આગામી વિષય તમે જ હશો. કર્મ સ્વયંનાં ખરાબ હોય છે અને ઉપાય પંડિતોને પૂછતા ફરીએ છીએ. દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે તમને એ ખબર નથી કે કોણ તમારા માટે પ્રાર્થના કરે છે. ને કોણ તમારી સાથે રમત રમી રહ્યું છે. ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી દુનિયાને બે ઘડી મોજ કર. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં સરસ સાધના આપેલ છે. ગુરુ સાધક ને કહે છે ‘સવ્વભૂયપ્પભૂઅસ્સ ‘ તું સર્વ પ્રાણીઓનો મિત્ર બન. ત્યારે સાધક કહે છે ગુરુદેવ આ યોગ્યતા હું કઈ રીતે પ્રાપ્ત કરું ગુરુદેવ કહે છે, ‘સમ્મંભૂયાઈંપાસઓ ‘ તું સમ્યક્ રીતે બધા આત્માઓને જો. અસમ્યક્ રીત અતિતમાં શું હતી? એ હતી કે પોતાને અનુકૂળ જીવોને સારા માનેલ, પોતાને પ્રતિકૂળ આત્માઓને ખરાબ માનેલ. આ ભૂલ હતી. સમ્યક્ રીત એ છે કે બધા જ સારા છે.
ભીતરીય આનંદ માટે બે પરિબળો મહત્વના છે, સંવર અને સમતા. તપ એટલે ઈચ્છા ઉપર નિયંત્રણ. ઈચ્છા જ પીડા આપે છે. આ ઈચ્છા નિયંત્રણરૂપ સંવર આવ્યો એટલે સમતા પણ આવી ગઈ. બાહ્ય જીવનમાં ઘટતી ઘટનાઓને દ્રષ્ટાભાવે જોવાની છે, સંસારનાં પવન વડે ગમે તેમ તેઓ ફેંકાય સૂકા પાંદડા જેવી જ એમની ચેષ્ટા હોય છે, પવન પાંદડાને ઊલટું ફેરવશે તો તે તેમ પડ્યું રહેશે, સુલટુ કરશે તો તે તેમ પડ્યું રહેશે, એની કોઈ પ્રતિક્રિયા નથી એવું જ દ્રષ્ટા માટે છે.
કોણ શું કરે છે ? કેવી રીતે કરે છે ? શા માટે કરે છે ? આ બધા વિષયોથી તમે જેટલા દૂર રહેશો એટલા ખુશ રહેશો.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પર્યુષણ મહાપર્વ દરમિયાન સૂર્ય અને ચંદ્ર પોત પોતાની સ્વરાશિમાં એક દિવસ અવશ્ય સાથે હોય છે. સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં ૧૬/૯ સુધી છે, જ્યારે ચંદ્ર આજે ૨૧/૮ નાં પોતાની સ્વરાશિ કર્ક રાશિમાં બિરાજમાન છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર પોત પોતાની સ્વરાશિ માં એક સાથે હોય ત્યારે વિશ્વમાં એક અલૌકિક અને અદભુત પોઝિટિવ એનર્જી નિર્માણ થતી હોય છે. જે જીવ માત્રને શાંતિ અને સમાધિ આપનાર હોય છે. સાથે આજે ગુરુપુષ્યામૃત યોગ પણ આવેલો છે. આમ જ્યોતિષ દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને શુભ દિવસ છે. આજે માતા પિતા ને પગે લાગી આશીર્વાદ મેળવવા, પુત્ર ને પ્રેમ આપવો, ભોજનમાં થોડો ગોળ અવશ્ય ખાવો. ગોળ નું દાન કરવું. સફેદ વસ્તુનું દાન કરવું. જીવનભર સુખી રહેવું હોય તો પોતાની કે અન્યની રહસ્યમય વાતો ક્યારેય કોઈ ને ન કરવી. કયારેય કોઇ પણ ચીજ વસ્તુઓ મુક્ત (મફત) માં ન લેવી. મફત લેવા થી સૂર્યની પ્રતિકૂળ અસર થાય છે. અન્ય ને ભોજન કરાવવું. કોઈ ની ક્યારેય નિંદા ન કરવી. તો સૂર્ય ચંદ્ર તમને તમારા શુભ કર્મોનું પોઝિટિવ ફળ આપશે.
