હિન્દ ન્યુઝ, બોટાદ
મહા ગુજરાતની ચળવળ બાદ જયારે ૧ મે ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું તે સમયે ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લાઓ હતાં જે આજે ૩૪ થઈ ગયાં છે. ચાલો જાણીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ જિલ્લા તરીકે ઉભરી આવતાં આપણાં બોટાદ જિલ્લા વિશે..
ઉતાવળી નદી પર વસેલું અને ગુજરાતનાં જાણીતાં કવિ સ્વ.દામોદર ખુશાલદાસ બોટાદકરનું જન્મ સ્થાન એવું બોટાદ શહેર ધર્મપરાયણતા, આસ્થા અને સાહિત્યનો ત્રિવેણી સંગમ છે. ધર્મ, સાહિત્ય અને આઝાદી લડતનો સમૃદ્ધ વારસો ધરાવતો આ જિલ્લો રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ પણ રહ્યો છે. બોટાદ જિલ્લાનાં ઇતિહાસ ઉપર નજર કરીએ તો બોટાદ ગામ હળવદ – ધ્રાંગધ્રાના વિખ્યાત કોઢના ઝાલાએ વસાવ્યું હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી એ ખાચર કાઠીના હાથમાં આવ્યું અને ત્યાર પછી ૧૮ મી સદીના અંતમાં ભાવનગર દરબાર વખતસિંહજીની સત્તા હેઠળ આવ્યું હતું.
અહીનાં ઇતિહાસ પર મીટ માંડીએ તો, વિદ્વાનો મુજબ ‘બોટ’ એટલે કે ગોખરું જે જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ છે જેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે અને ‘આદ’ એટલે સમુહ. જેનો અર્થ એવો થાય છે કે, પુષ્કળ પ્રમાણમાં ગોખરું જે જમીનમાં થાય છે તે જમીન એટલે બોટાદ. આજે પણ બોટાદની આસપાસ પુષ્કળ ગોખરું થાય છે. મહારાજા વખતસિંહજીનાં શાસનકાળ દરમિયાન બોટાદ ભાવનગર રાજ્યનો મહત્વનો ભાગ ગણવામાં આવતો હતો.
ઝળહળતા બોટાદ જિલ્લાનો હીરા ઉદ્યોગ પણ આજે દેશભરમાં ઝળહળી રહ્યો છે. બોટાદમાં કપાસરૂપી સફેદ સૌનાનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. બોટાદમાં આવેલી બૉલ – બેરીંગ્સની કંપનીઓ દેશભરમાં જાણીતી છે. બોટાદ શહેર આજુબાજુનાં ગામડાઓ માટેનું મહત્વનું બજાર છે. બોટાદ મગફળી, પ્રેસ માટેનું રૂ મરચાં તેમજ સીંગતેલના વેપારનું અગત્યનું મથક છે. ભૂતકાળમાં બોટાદના કારીગરોએ બનાવેલાં લાકડાના પટારા રાજ્યભરમાં પ્રખ્યાત હતાં.
બોટાદ જિલ્લામાં લોકોની આસ્થા સાથે જોડાયેલા અનેકવિધ મહત્વનાં ધર્મસ્થાનકો – યાત્રા ધામો પણ આવેલાં છે. અહીં વિરાટેશ્વર મહાદેવ મંદિર , નવહથ્થુ હનુમાન મંદિર , મહાલક્ષ્મી મંદિર તેમજ વૈષ્ણવ, શિવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો ઉપરાંત ધણી મસ્જિદો પણ આવેલી છે કહેવાય છે કે , એક સમયે આ વિસ્તારમાં પાંડવોએ વાસ કર્યો તો , તેની સાક્ષી પુરતાં અનેક લોકવાયકાઓ દંતકથાઓ સાથે જોડાયેલાં અનેક ધર્મસ્થાનકો અહીં સ્થિત છે.
ચોતરફ ધર્મસ્થાનોથી રક્ષાયેલા બોટાદ શહેર અને જિલ્લામાં આવેલાં લોકઆસ્થાના કેન્દ્રો આજે પણ પોતાની ઐતિહાસિકતાને ઉજાગર કરતાં ધર્મની ધજા ફરકાવી રહ્યાં છે. જિલ્લાનાં આવાં બેજોડ ધાર્મિક વારસાને લીધે અહીંનાં કણ – કણમાં જાણે ભક્તિભાવ સમાયેલો જોવા મળે છે. ચાલો જાણીએ બોટાદના ચાર તાલુકાઓ વિશે……..
બોટાદ જિલ્લાનું વહીવટી મથક એટલે બોટાદ શહેર, જે ભાવનગરથી અંદાજિત ૯૨ કી.મી. તથા અમદાવાદથી ૧૭૦ કી.મી.ના અંતરે આવેલું છે. સાહિત્ય , ઈતિહાસ , ધાર્મિક , આર્થિક સહિતનાં તમામ ક્ષેત્રે બોટાદ તાલુકો અગ્રેસર છે તો કપાસનાં વાવેતરમાં પણ ખોટાદ તાલુકો મોખરે છે. બોટાદ તાલુકાનો કાપડ ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે. અહીં આવેલાં ધાર્મિકસ્થળોના દર્શન કરવા માટે સમગ્ર દેશનાં લોકો અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે.
જિલ્લાનાં મુખ્ય મથક બોટાદથી બરવાળા તાલુકો ૨૬ કિ.મી.ના અંતરે સ્થિત છે. બરવાળામાં વિશ્વવિખ્યાત શ્રી સાળંગપુર હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જ્યાં દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. બરવાળાથી માત્ર ૫ કિમીનાં અંતરે કુંડળધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જ્યારે બરવાળાથી ૧૩ કિ.મી.ના અંતરે ભીમનાથ મહાદેવ બિરાજમાન છે. આ મંદિર પૌરાણિકકાળ સાથે સંબંધ ધરાવે છે .
રાણપુર એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને મહાન પત્રકાર અમૃતલાલ શેઠની કર્મભૂમિ છે. હાલ રાજકોટથી પ્રસિદ્ધ થતાં અખબાર ફુલછાબની જન્મભૂમિ રાણપુર છે. કસુંબલ રંગનાં ગાયક અને સર્જક મેઘાણીનાં સાહિત્ય સર્જન અને અમૃતલાલ શેઠના મહાન પત્રકારત્વની ભૂમિ એવાં રાણપુની સ્થાપના ઈ.સ. ૧૩૧૦ માં થઇ હતી. રાણાજી ગોહિલે ભાદર અને ગોમા બે નદીઓની વચ્ચે કિલ્લો બાંધીને નદીને કાંઠે રાણપુર વસાવેલું. આઝાદીની લડતમાં રાણપુરની પ્રજાએ શ્રી મેઘાણી અને શ્રી અમૃતલાલ શેઠના નેતૃત્વ નીચે સક્રિય ભૂમિકા ભજવી હતી. અમદાવાદ , ભાવનગર અને રાજકોટ રાણપુરથી લગભગ 200 થી ૨૫૦ કી.મી.ના અંતરે આવેલાં શહેરો છે. રાણપુરમાં વિકસેલા બેરીંગના કારખાના ગુજરાતભરમાં પ્રખ્યાત છે. અહીં ઉત્પાદિત થતાં બેરીંગનો દ્વિચક્રીય અને ચાર ચક્રીય વાહનોનાં સ્પેરપાર્ટ્સમાં ઉપયોગ થાય છે.
ગઢડા પવિત્ર ઘેલો નદીના કિનારે વસેલું છે. ગઢપુરને બોટાદ જિલ્લાની ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગઢડાનું જૂનું નામ ગઢપુર હતું. અહીં સ્વામિનારાયણ ભગવાનના બે ભવ્ય મંદિરો આવેલાં છે. ગઢડા તાલુકામાં મુખ્યત્વે કપાસની ખેતી થાય છે. ગઢડા બોટાદ તાલુકાથી ૨૫ કિ.મી. અને ભાવનગરથી ૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ગઢડા તાલુકામાં આવેલી તેલની મિલો સમગ્ર બોટાદમાં જાણીતી છે.
બોટાદના તાલુકાઓ બાદ ચાલો જાણીએ કે બોટાદ આવો ત્યારે કઈ – કઈ જગ્યાઓ જોવા લાયક છે. બોટાદ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં અંબાજી મંદિર (ગામ દેવી) વરીયાદેવી, મોક્ષ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળિયાદ, હનુમાન મંદિર સાળંગપુર, અક્ષરપુરુષોતમ મંદિર સાળંગપુર, સ્વામિનારાયણ મંદિર બોટાદ, સ્વામિનારાયણ મંદિર ગઢડા, હરિકૃષ્ણ મહારાજનું મંદિર સરવઈ, કુષ્ણસાગર તળાવ, સંત રોહીદાસ મંદિર નાના ભડલા, અને ભીમનાથ મહાદેવ મંદિર ભીમનાથ વગેરે આવેલાં છે.
