હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેનકુમાર મુકુંદભાઈ શાહ કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી તેને ખેત ઉદ્યોગ તરીકે વિકસાવેલ છે. તેમના આ યોગદાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કક્ષાએ, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ અને ભારત સરકાર દ્વારા દેશ કક્ષાએ તેમનું વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે.
દીપેન કુમાર શાહ ના પ્રગતિશીલ ખેડૂત તરીકેના યોગદાન બદલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ભારત સરકારનો રાષ્ટ્રીય કક્ષાનો શ્રી જગજીવન રામ અભિનવ કિસાન પુરસ્કાર/ જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી ના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં રૂપિયા એક લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેકશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૧૪માં ક્રિસ્ટલ નેશનલ એગ્રી એવોર્ડ ખેત પેદાશોનું ઉત્કૃષ્ટ નવીનીકરણ માટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દીપેનકુમાર શાહને રાજ્ય કક્ષાના ઘણા એવોર્ડ મળ્યા છે જેમાં જુનાગઢ ખાતે તા.૨૭ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ કૃષિ રત્ન એવોર્ડ મંત્રી મોહનભાઈ કુંડારીયા ના હસ્તે, મે ૨૦૧૬ માં આણંદ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે રાજ્ય કક્ષાનો સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ, આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ રાજ્ય કક્ષાનો એવોર્ડ ૧૬ જૂન ૨૦૧૯ ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ગામે રાજ્યના તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે, આપવામાં આવ્યો હતો.
તેવી જ રીતે કૃષિ ક્ષેત્રે અપાતો દેશનો એકમાત્ર રાષ્ટ્રીય સર્વોચ્ચ પુરસ્કાર એન.જી.રંગા ફાર્મર એવોર્ડ ફોર ડાઈવરસી ફાઈડ એગ્રીકલ્ચર વર્ષ ૨૦૨૦ માં તેમને ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર તથા કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા ના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં રૂપિયા ૦૧ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આમ, કુંજરાવ ગામના દીપેનકુમાર શાહને કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરીને તેને ખેત ઉદ્યોગ તરીકે વિસ્કાવવા બદલ પ્રગતિશીલ ખેડૂત તરીકે જિલ્લાકક્ષા /રાજ્યકક્ષા અને નેશનલ કક્ષાના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
દેશ કક્ષાએ પ્રગતિશીલ ખેડૂતની નોંધ લઈને આગામી ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં આણંદ જિલ્લાના કુંજરાવ ગામના દીપેનકુમાર શાહને હાજર રહેવા અને આ કાર્યક્રમમાં સહભાગી બનવા ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
દીપેન કુમાર શાહે એક મુલાકાતમાં જણાવ્યું કે ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ મને અને મારી પત્નીને ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યો છે, તેના સમાચાર મને મળતા હું ખૂબ જ ખુશ થયો છું અને મને જાણકારી મળી છે કે આણંદ જિલ્લામાંથી હું એક માત્ર પ્રગતિશીલ ખેડૂત તરીકે પસંદ થયો છું અને રાજ્યભરમાંથી માત્ર પાંચ પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે તેમાં મારો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ મેં કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરીને ખેત ઉદ્યોગ તરીકે વિકસાવ્યું છે અને મેં આપેલું યોગદાન ની નોંધ ભારત સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે ત્યારે હું આ તબક્કે ખૂબ જ ખુશી અનુભવું છું અને ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું.
