હિન્દ ન્યુઝ, જામનગર
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), જામનગરના નિયંત્રણ હેઠળના માર્ગ અને મકાન પેટા વિભાગ, જામજોધપુર હસ્તકના જામનગર-લાલપુર-પોરબંદર રોડ (એસ.એચ.-૨૭) બીટ કિ.મી. ૨૪/૦૦ થી ૨૫/૮૦૦ જે રસ્તાની લંબાઈ ૨.૮૦૦ કી.મી. છે. આ રસ્તા પર હયાત એક મેજર બ્રીજ કિ.મી. ૨૬/૩ પર આવેલ છે. ડીઝાઈન સર્કલ તરફથી થયેલ ઇન્સ્પેકશનમાં બ્રીજની સ્થિતિ ખરાબ જણાવેલ છે. તેમજ મલ્ટી મિડીયા કન્સલ્ટન્ટ દ્વારા પણ બીજનું સ્થળ નિરીક્ષણ કરી ભારે તથા તેનાથી ઉપલી શ્રેણીનાં વાહનો માટે અવર-જવર બંધ રાખવા સૂચન કરેલ છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી રસ્તો બંધ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બ્રીજ પર તમામ પ્રકારના વાહનો તથા તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર-લાલપુર- પોરબંદર રોડ (એસ.એચ. ૨૭) કૈલાશ પેટ્રોલ પંપથી સેવક ભાટિયા જંક્શન સુધી કે જેની ચેઇનેજ કિ.મી. ૨૪/૦ થી ૨૬/૮ અને લંબાઇ ૨.૮૦૦ કિ.મી. રસ્તો બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે કૈલાશ પેટ્રોલ પંપ-હરિપર એપ્રોચ રોડ-સેવક ભાટિયા જંકશન વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
