હિન્દ ન્યુઝ, રાજપીપલા
નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીની કચેરી ખાતે તા.૨૩મી જૂલાઈ-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪મી જૂલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.
જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારો પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ જૂલાઈ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. તેની બે નકલો સંબંધિત મામલતદાર કચેરી ખાતે તા. ૧૦ જૂલાઈ-૨૦૨૫ના સાંજે ૬:૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહીં.
કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહીં. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતા-કચેરી વાર અલગ-અલગ અરજી કરવાની રહેશે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતા-કચેરીને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી થયેલ ન હોય અથવા તો જે તે વિભાગ-કચેરી દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે.
આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકા-જિલ્લાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે.
કાર્યક્રમના દિવસે સરકારી વિભાગોના તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓએ સ્વાગત કાર્યક્રમ સ્થળ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટર, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
