ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ તેમજ પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી હતી તેમજ વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશ પણ આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓને શહેરોમાં વોટર લોગિંગની સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવા તથા વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, તેમણે જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય અથવા મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને જરૂરી પગલાં લેવા તેમજ કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી.

મુખ્યમંત્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ-મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો કર્યા હતા તેમજ નાગરિકોના જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment