હિન્દ ન્યુઝ, ભાવનગર
પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષકની ભરતી માટેની લેખિત પરીક્ષા ભાવનગર શહેરમાં કુલ-૩૮ પરીક્ષા કેન્દ્રો પર તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૯-૩૦ થી બપોરના ૧૨-૩૦ કલાક દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ની પેટા કલમ(૧) મુજબ મળેલ સત્તાની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , ભાવનગર દ્વારા જાહેરહિતમાં ફરમાવવામાં આવે છે કે, પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર , ૨૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
