હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેઈન -2025’ અભિયાન પ્રેરિત જળસંચય-જનભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં જળશક્તિને જનશક્તિ સાથે જોડવાના પ્રયાસોને પરિણામે ગુજરાત આજે ‘વોટર ડેફિસીટ સ્ટેટ’માંથી ‘વોટર સરપ્લસ સ્ટેટ’ બન્યું છે. તેમણે આજના કાર્યક્રમને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે જળ સંચયના પ્રયાસોને વધુ વેગવાન બનાવનાર અવસર ગણાવી, ગુજરાતમાં થયેલ જળ સંચયની કામગીરી અંગેની રૂપરેખા આપી હતી તેમજ આજનો આ જળ સંચય માટેનો પ્રયાસ આવનારી પેઢીને જળ સુરક્ષા પૂરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ 50,000 રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં બનાસ ડેરીના સહયોગથી 25,000 રિચાર્જ કૂવાનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીએ આ અવસરે બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતાને બિરદાવી હતી સાથે જ તેમણે માનનીય વડાપ્રધાનએ આપેલ સંકલ્પોને અનુસરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે બનાસ ડેરીના સહયોગથી આયોજિત આ કાર્યક્રમના અવસરે રિચાર્જ કૂવાના નિર્માણ માટે ઉપયોગ થનાર મશીનો અને વાહનોને ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.
