હિન્દ ન્યુઝ, જામનગર
તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ ‘Ending Plastic Pollution Globally’ ને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે, તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉનહોલ, તીન બત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે સંપન્ન થઈ હતી. કુલ ૧.૬૦ કી.મી.ની આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ્સ જવાનો, NCC કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ વોકાથોન મારફત નાગરિકોને Single Use Plastic ની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલીયા દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
