હિન્દ ન્યુઝ, બોટાદ
ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ કાળજી રાખે તે ખૂબ જરૂરી છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટ્સની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપિંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગતો દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટની ખરીદી કરવી નહીં. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.
પાકને નિંદામણમુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા જણાવવામાં આવે છે.
