હિન્દ ન્યુઝ, વલસાડ
જિલ્લા મેજીસ્ટ્રેટ વલસાડની હકુમત હેઠળના વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૧૦૪ તથા લાગુ ફાઈનલ પ્લોટ નં. ૧૦૩માં આવેલ મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટના નવા બિલ્ડીંગનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. પરંતુ ઉક્ત બિલ્ડીંગની બાંધકામ સાઈટની ચારે બાજુ ફરતે આવેલ જાહેર રસ્તામાં નાના-મોટા શાકભાજી વિક્રેતાઓ તથા લારી કે પાથરણા દ્વારા અન્ય પરચુરણ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓના કારણે કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. તેથી ઉકત ફેરિયાઓના કારણે જાહેર જનતાની અવર-જવર પણ વધારે રહે છે જેના કારણે શાકભાજી માર્કેટના નવા બિલ્ડીંગના બાંધકામ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ, જેથી લોકોના જાન-માલની સુરક્ષા ધ્યાને લઈ ઉપરોક્ત હંગામી ધોરણે લારી-ગલ્લા તથા પાથરણા મારફત શાકભાજી કે અન્ય પરચુરણ ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરીયાઓને ઉકત બાંધકામ સાઈટની ચારેબાજુ આવેલ જાહેર રસ્તામાં પ્રવેશતા અટકાવી તેઓને અન્ય વૈકલ્પીક જગ્યાએ સ્થળાંતર કરાવવુ જરૂરી છે. વલસાડ નગરપાલિકાએ વૈલ્પિક જગ્યા તરીકે તરીયાવાડ ખાતે આવેલ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનની પાછળ આવેલ ખુલ્લા પ્લોટને સ્થળાંતરીત જ્ગ્યા તરીકે નકકી કરી ત્યાં પાયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ બાબતે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પ્રસિધ્ધ કરી તમામ ફેરિયા/વિક્રેતાઓને જાણ કરી સ્થળાંતર કરવાના પ્રયાસો કરવામાં આવેલ છે તેમ છતાં ફેરિયા/વિક્રેતાઓ કોઈ સહયોગ ન આપતા શાકભાજી માર્કેટના નવા મકાનના બાંધકામ દરમિયાન કોઈ વિક્ષેપ ન થાય અને બાંધકામ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોના જાન-માલની સલામતી માટે વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ભવ્ય વર્માએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ સત્તાની રૂએ તા. ૧૭-૦૫-૨૦૨૫ થી તા.૧૭-૦૬-૨૦૨૫ સુધી વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટના બિલ્ડીંગની બાંધકામ સાઈટની ચારે બાજુ ફરતે આવેલ જાહેર રસ્તામાં નાના-મોટા શાકભાજી વિક્રેતાઓ તથા લારી કે પાથરણા દ્વારા અન્ય પરચુરણ વસ્તુઓનું વેચાણ કરતા ફેરીયાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
