બાયો નેચરલ પ્રોસેસ અને જૈવ રસાયણો આ બેક્ટેરિયાના નિર્માણ અને તેના વધારા માટે ખૂબ સહાયક

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વધુ વેગ આપવા માટે પ્રેરણા શિબિરથી લઇ વ્યવહારુ પ્રશ્નોના નિવારણોની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ માટે આ વર્ષના રાજ્યના બજેટમાં વિશિષ્ટ સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના મેંગણી તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ધવલભાઇ પાનસુરીયાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિમાં ફળદ્રુપતા અને જમીનનો કાર્બન વધારવા વિશે વિશિષ્ટ પ્રયોગો કર્યા છે.

ધવલભાઇ પાનસુરીયા છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. મસાલા, કઠોળ, ઘઉંની વિશિષ્ટ જાતોના ઉત્પાદન કરતા આ ખેડૂતે જમીનનો કાર્બન તેમજ તેમાં આવશ્યક એવા બેક્ટેરિયા વધારવા માટેની વિશિષ્ટ બાયો નેચરલ પ્રોસેસ વિકસાવી છે. જેમાં તેઓ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાક લીધા બાદ જમીનને થોડા સમય માટે આરામ આપે છે ત્યારબાદ જમીનમાં શણ અને ઈકકડ નામના બે ઘાસનું સરખું વાવેતર કરવામાં આવે છે. આ બંને પ્રકારના ઘાસને ત્રણ થી ચાર ફૂટ જેટલું ઉગવા દઈ ૪૦ થી ૪૫ દિવસે આ ઘાસ પર રોટાવેટર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઘાસને જમીન સાથે ભેળવી ધવલભાઇ દ્વારા જ તૈયાર કરવામાં આવેલા જૈવ રસાયણને તેમાં ભેળવી દેવામાં આવે છે. ત્યારબાદ જમીનને ફરી આજ સ્થિતિમાં તાપ નીચે આરામ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં આ ઘાસ અને જૈવ રસાયણનું મિશ્રણ જમીનમાં કોહવાતા જમીનમાં ફળદ્રુપતા વધારે છે સાથે જ જમીનને વધુ બેક્ટેરિયાયુક્ત બનાવી, કાર્બનનું પ્રમાણ પણ વધારે છે.

આ અંગે ધવલભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, “ખેતરમાં જ પ્રાકૃતિક વસ્તુઓને આથો આપી તેમાં બેક્ટેરિયા કલ્ચર તૈયાર કરી જમીનમાં સમયાંતરે શરૂઆતના તબક્કામાં ઘાસ સાથે ખાતર સ્વરૂપે તેમજ ત્યારબાદ આવશ્યકતા સમયે બીજા પાકમાં પિયતમાં આ રસાયણ આપી પાકને પોષણ આપવામાં આવે છે. સામાન્ય રીતે આપણી માન્યતા છે કે “બેક્ટેરિયા એ નકારાત્મક સ્વરૂપ છે પરંતુ જમીનમાં રહેલા અનેક બેક્ટેરિયા અને જૈવ તત્વો પ્રાકૃતિક રીતે ઉત્પાદન ઉગાડવામાં ખૂબ જ સહાયક બનતા હોય છે. અગાઉ રાસાયણિક ખેતીના રસાયણોના કારણે આ જરૂરી બેક્ટેરિયાને હાનિ પહોંચતી હતી જેથી તેની સંખ્યા ઘટતી જતી હતી પરંતુ આ પ્રકારની બાયો નેચરલ પ્રોસેસ અને જૈવ રસાયણો આ બેક્ટેરિયાના નિર્માણ અને તેના વધારા માટે ખૂબ સહાયક બને છે.

Related posts

Leave a Comment