હિન્દ ન્યુઝ, રાજકોટ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) આજે અનેક બાળકો માટે સંજીવન સમાન બની ગયો છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામની એક બાળકીને જન્મથી જ હૃદય તેમજ મળદ્વાર (CONGENITAL ANTERIOR ECTOPIC ANUS + CHD)ને લગતી તકલીફ હતી. આર.બી.એસ.કે. હેઠળ આ બાળકીની અમદાવાદની સરકારી હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી કરાઈ છે. જેના લીધે પરિવારનો રૂપિયા ત્રણથી ચાર લાખનો ખર્ચ બચ્યો છે.
હાલ બાળકી એકદમ સ્વસ્થ છે. બાળકીના પિતા અને પરિવારે આર.બી.એસ.કે. ની ટીમ, સિવિલ તથા યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભારનો ભાવ પ્રગટ કર્યો છે. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે. હેઠળ જરૂરિયાતમંદ બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ-લાભ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલીના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
