તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

      ભાવનગરમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા પ્રાંત કચેરી ખાતે મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ હતી.

બેઠકમાં મંત્રીએ મેથળા બંધારા અને સરતાનપર બંધારા પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ આ યોજનામાં બાકી રહેલી તમામ કામગીરીને અગ્રતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. પીવાના પાણી તથા સિંચાઈના કામો સત્વરે પૂર્ણ થાય તેમજ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો. તેમજ વિભાગ હસ્તકના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી જરૂરીયાત મુજબના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા પણ સૂચન કર્યું હતુ.

બેઠક બાદ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા અને ઘોઘા વિસ્તારએ દરિયાઈ બેટ ઉપર આવેલો વિસ્તાર છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ, પીવાના પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે ભૂતકાળમાં હાઈ લેવલ કમિટી દ્વારા તળાજાના મેથળા બંધારા અને સરતાનપર બંધારા પર ચેકડેમ બનાવવાનું સૂચન કર્યું હતું. સ્થાનિક ધારાસભ્યઓની રજૂઆતને ધ્યાને લઈને છેલ્લા બે વર્ષથી આ બંને બંધારા સમયસર પૂર્ણ થાય તેવા અમારા પ્રયત્નો હતા. આજે અમે બંને બંધારાની જાત મુલાકાત લીધી છે. 

તેમણે કહ્યું કે, મેથળા બંધારા માટે જમીન સંપાદનની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ટેન્ડરની પ્રોસેસ કરવામાં આવશે. આ બંધારો પૂર્ણ થતાં આસપાસના ૧૭ થી ૧૮ ગામોને તેનો સીધો ફાયદો થશે. ૬,૬૦૦ હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. સરતાનપર બંધારો ત્રણ પાર્ટમાં બનશે. જેમાં બે ભાગના ટેન્ડરો કરી દીધા છે અને એક ભાગમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા બાદ અહીંના ૧૫ થી ૧૬ ગામના ખેડૂતોને સિંચાઈ, પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત ૩ હજાર હેક્ટર જમીન પિયત વાળી થશે. આમ મેથળા અને સરતાનપર બંધારો તૈયાર થતાં અહીંના દરિયાઇ વિસ્તારની ખેતી અને ખેડૂતોનું જે સ્વપ્ન હતું તે સાકાર થશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કહે છે કે, ખેડૂતોની આવક બમણી થશે ત્યારે આ યોજના થકી અહીંના ખેડૂતોને તેનો લાભ મળશે. રાજ્યના મુખ્યમંત્રી પણ સિંચાઈ અને જળ સંપત્તિ વિભાગને મહત્વ આપીને આ યોજનાઓ વહેલી તકે સાકાર થાય તે માટે ઝડપ થી નાણાંની જોગવાઇ પણ કરી દીધી છે. આગામી ટૂંક સમયમાં બંને બંધારા ઝડપથી પૂર્ણ થાય તે માટે જમીન સંપાદન સહિતની કાર્યવાહી પૂર્ણતાને આરે છે. આ બંધારાની કામગીરી એકાદ વર્ષમાં પૂર્ણ થાય તેવો સરકારનો પ્રયાસ છે.

બેઠક અગાઉ મંત્રીએ ભાવનગર જિલ્લાની મુલાકાતના બીજા દિવસે મહુવાના કતપર બંદરની મુલાકાત લેવાની સાથે તળાજાના મેથળા અને સરતાનપર બંધારા સાઈટની જાત મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ.

આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઇ ડાભી, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી, તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજાના પ્રાંત અધિકારી, મામલતદાર, સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી રાહુલ ઉપાધ્યાય, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આશિષભાઈ બાલધિયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એચ.એન.સરવૈયા, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment