પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળનું વાવેતર

હિન્દ ન્યુઝ, બોટાદ

            વિશ્વમાં કેળાં અત્યંત લોકપ્રિય ફળ છે. દરેક ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોમાં કેળાનું મહત્વપૂર્ણ સ્થાન રહેલ છે. જે પૌષ્ટિક, સ્વાદિષ્ટ, ખાવામાં સરળ અને કિંમતમાં પણ સસ્તા હોય છે. કેળનો મુખ્ય પાક, મિશ્રપાક, આંતરપાક તેમજ સહજીવી પાક એમ જુદી-જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં કેળનો પાક મુખ્ય પાક તરીકે તેમજ નાળિયેર અને સોપારી સાથે આંતરપાકના રૂપમાં લેવામાં આવે છે. 

           કેળનું વાવેતર તેનાં કંદ (પીલા) દ્વારા કરવામાં આવે છે. આ કંદનું વજન ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. તેનો આકાર પાકેલાં નાળિયેર જેવો હોય છે. તેમજ આ કંદનો રંગ ઘેરા લાલ રંગનો હોવો જોઈએ. કંદ લગાડયા બાદ તેમાંથી ૨૦૦-૫૦૦ જેટલાં મૂળ ફૂટે છે. કંદ જો પ્રાકૃતિક કેળાના છોડમાંથી લેવામાં આવે તો ઉત્પાદન વધે છે. 

              ભારત દેશમાં ત્રણ બહાર એટલે કે ત્રણ ઋતુમાં કેળનું વાવેતર કરવામાં આવે છે. જેમાં, ૧. મૃગબહાર: જુન-જુલાઈ-ઓગસ્ટ, ૨. હસ્ત બહાર: સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૩. આંબે બહારઃ ડિસેમ્બર-જાન્યુઆરીમાં કેળ પાકનું વાવેતર કરવામાં આવે છે. 

               બીજામૃત આપીને કંદનું વાવેતર કરવું જોઈએ જેમાં જેટલો આકાર કંદનો હોય એટલો જ ખાડો ખોદો, તેમાં બે મુઠ્ઠી છાણીયું ખાતર તથાં ઘન જીવામૃત ભેળવીને નાખો. ત્યારબાદ એમની પાસેની માટી નાખીને એમને દબાવો અને ઉપરથી જીવામૃત નાખો. તેમાં વચ્ચે વચ્ચે ચોળી, મરચા, ડુંગળી, ગલગોટા અને શાકભાજીની આંતર ખેતી પણ કરવી જોઈએ. કેળના બે છોડ વચ્ચે સરગવો પણ વાવી શકાય છે. દર ૧૫ દિવસે એકવાર પિયત સાથે જીવામૃત આપવું જોઈએ. કેળાની લૂમ કાપતાં પહેલાં છોડનાં કોઈપણ લીલાં કે સુકા પાંદડાં કાપવા નહિં. તે છોડનો આરક્ષિત પોષણીય ભાગ હોય છે. કંદ વાવ્યાં પછી ત્રણ મહિના સુધી બધાં જ ક્યારામાં પાણી આપવું અને સાથે જીવામૃત પણ આપવું જોઈએ. 

             ત્રણ મહિના પછી બધાં ક્યારામાં પાણી આપવાનું બંધ કરી દેવું જોઈએ. પુષ્પ વિન્યાસની શરૂઆત થાય ત્યાં સુધી છોડનાં મૂળમાંથી જે અંકુર (પીલા) નીકળે છે. એને બધાને કાપીને ત્યાં જ આચ્છાદનના સ્વરૂપે નાખવા જોઈએ. જે દિવસથી પુષ્પ વિન્યાસ નીકળે તે દિવસથી ત્યાં જે દિશાની તરફ નીકળે એની બરાબર વિરુદ્ધ દિશામાં અંકુર શાખા રાખો અને બાકીની કાપીને એનું આચ્છાદન કરો. કેળાની લૂમ કાપીને પછી થડ કાપવું નહિ. જે જેમ છે તેમજ ઉભું રાખો. જેમ-જેમ પાક વધશે તેમ થડનો વિકાસ થઈ પોતાની રીતે પોતાની જ જગ્યાએ નીચે આવશે અને છેવટે ગુચ્છાદાર બનશે. આ ગુચ્છાદાર ભાગને કાપ્યાં પછી તેનાં પાન કાપીને તેનું આચ્છાદન કરો. આવી રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળ પાકનું વાવેતર કરી શકાય છે.

Related posts

Leave a Comment