રાજ્યનાં ખૂણે-ખૂણે વસતાં મહિલાઓની સુષુપ્ત શક્તિને પીછાણવાનો અવસર એટલે સરસ મેળો

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજ્યનાં ખૂણે-ખૂણે વસતાં મહિલાઓની સુષુપ્ત શક્તિને પીછાણવાનો અવસર એટલે સરસ મેળો. રેસકોર્સ મેદાન ખાતે તા. ૪ મે સુધી આયોજિત સરસ મેળામાં ગામે-ગામથી બહેનો પોતાની કલાનાં સંગાથે ભાગ લેવા આવી પહોંચ્યા છે ત્યારે કચ્છ-ભુજનાં લાખોંદ ગામનું શિવ મિશન મંગલમ્ ગ્રુપ રાજકોટ ખાતે પોતાનાં વતનની સુવાસ ફેલાવી રહ્યું છે. આપણે વાત કરી રહ્યાં છીએ કચ્છ જિલ્લાનાં નાનકડાં ગામનાં સખીમંડળની, જેનાં સભ્યશ્રી ગીતાબેન બરાડીયા સરસ મેળામાં ઉત્સાહભેર વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે.

તેઓ જણાવે છે કે, અમારા સખીમંડળમાં બહેનો પોતાનાં કૌશલ્યનાં માધ્યમથી રોજગારી મેળવી પગભર થઇ રહી છે. અમે કચ્છી ભરતગૂંથણની કલાકૃતિઓ બનાવીએ છીએ. જેમાં, તોરણ, પર્સ, જ્વેલેરી, સાડી, કુર્તી, વિંડચેમનો સમાવેશ થાય છે. અમારા મંડળને સરકારશ્રી તરફથી રૂ. ૩૦ હજાર રિવોલ્વીંગ ફંડ પેટે મળ્યાં છે, તથા હવે અમારા વ્યવસાયનાં વિસ્તરણ માટે રૂ. ૧.૫ લાખની લોનની અરજી આપી છે.

સરસ મેળામાં ભાગ લઇ શું લાભ મળ્યો તેના વિશે જણાવતાં ગીતાબેને આનંદ સાથે કહ્યું કે, છેલ્લાં ૬ દિવસમાં અમારે રૂ. ૩૦ હજારથી વધુનું વેચાણ થયું છે. રાજકોટનાં લોકોએ કચ્છી ભરતગૂંથણની કલાને સારો પ્રતિસાદ આપ્યો છે. સખીમંડળમાં સહભાગીતાને કારણે સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં તદ્દન નિ:શુલ્ક રીતે ભાગ લઇ શકાય છે, અજાણી જગ્યાએ રહેવા-જમવા સહિતની સુવિધાઓ આપવા બદલ તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગીતાબેને ઉમેર્યું હતું કે, આ મેળામાં સખીમંડળની બહેનોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં કર્મયોગીઓનો સારો સહયોગ તથા મુશ્કેલીમાં માર્ગદર્શન મળી રહે છે. આ પ્રકારનાં આયોજનો થકી રાજ્યનાં તમામ બહેનો આત્મનિર્ભર બને જેથી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર થઇ શકે

Related posts

Leave a Comment