ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા “સ્પર્શ” રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત 

જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન ૩૦ જાન્યુઆરી (રક્તપિત્ત નિર્મુલન દિવસ) નિમિત્તે “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેશના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, રક્તપિત્તથી પીડીત દર્દીને ચામડી પર ચાઠું જોઈને લોકો તેમનાંથી દૂર રહે છે.

રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે આ રેલીના માધ્યમથી રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. રક્તપિત્તથી પીડિત લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃત્તિ થકી અવરનેશ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર એક.કે.મોદીએ જણાવ્યું હતું કે, ૩૦ મી જાન્યુઆરી “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન થકી રક્તપિત્ત નાબુદીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ૧૧૩ જેટલા દર્દીઓમાંથી ૯૫ જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય દર્દીઓની સારવાર પૂર્ણ થઈ છે. રક્તપિત્ત અંગે વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું કે, રકતપિત્ત એ બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે. જે કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રકતપિત્ત હોઈ શકે છે. રકતપિત્ત કોઈપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે. રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ રેલીનો શુભારંભ કલેકટર કચેરી જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંઘી ચોકથી સફેદ ટાવર થઇને રેડક્રોસ બ્લડ બેંક, (સ્ટેશન રોડ) રાજપીપલા ખાતે સમાપન થઈ હતી. જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા બેનર્સ, પ્લેકાર્ડ્સના માધ્યમથી અને અનેક સ્લોગનો થકી લોકોને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. સમાપન બાદ નર્મદા જિલ્લા સહિત ભારતને રક્તપિત્તથી મુક્ત કરવા અંગે સૌએ શપથ લીધા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન યોજાશે. જેમાં ભારતને રકતપિત્તમાંથી મુકત કરવા માટેના તમામ પ્રયત્ન તેમજ રક્તપિત્ત જનજાગૃતિની વિવિધ પ્રવૃતિઓ થનાર છે. જેમાં સ્કૂલ ક્વિઝ/રોલ પ્લે/આરોગ્ય તપાસણી, એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન, રક્તપિત્ત બેનર વિતરણ, પપેટ શો, ભીંત સુત્રો, માઇકીંગ, રક્તપિત્ત પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા સહિત જનજાગૃતિ રેલીઓ પણ યોજાનાર છે. આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, જિલ્લા લેપ્રસી અધિકારી ડો. હેતલભાઈ ચૌધરી, જિલ્લા લેપ્રસી મેડીકલ ઓફિસર ડો. હિરેનભાઈ પ્રજાપતિ, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન, સહિત જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરશ્રીઓ અને નર્સીંગ સ્ટાફ સહિતના અધિકારી-કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.

જાણો રક્તપિત્ત વિશે સત્ય હકીકત રક્તપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે, તે પૂર્વજન્મના પાપ કે શ્રાપનું ફળ નથી. રક્તપિત્ત વારસાગત રોગ પણ નથી અને કોઈ બાળક આ રોગ સાથે જન્મતુ પણ નથી. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રક્તપિત્ત હોઈ શકે છે. લક્ષણો શરીર ઉપર આછું ઝાંખુ ઝાંખુ, રતાસ પડતું બહેરાશવાળુ ચાઠું. જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુઃખાવો પણ થઈ શકે. રક્તપિત્તથી બચવા માત્ર આટલું કરો રક્તપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા સહભાગી બનો. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને આ રોગથી પીડાતા લોકોને મદદ કરો.

Related posts

Leave a Comment