ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું

જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ચિંતન શિબિરના બીજા દિવસે ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું હતું.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા ટેક્નોલોજીના ઉપયોગ અંગેના વકતવ્યમાં એચ.આર.એમ.એસ. સેલના સેક્શન ઓફિસર જૈનમ મહેતાએ સરકારી વ્યવસ્થાઓમાં ટેક્નોલોજીનો વિનિયોગ અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.

દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ત્યારે તેમાંથી સરકારી તંત્ર પણ બાકાત નથી. આજે સામાન્ય નાગરિક જીવનને સ્પર્શતી દરેક બાબતો ઝડપી અને અસરકારક બને તે માટે વિવિધ મોબાઈલ એપ, વેબસાઈટ વગેરે ડિજિટલ માધ્યમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. અને તેમાં દિવસે-દિવસે જરૂરિયાત આધિન સુધારા-વધારા કરવામાં આવી રહ્યાં છે. કે જેથી, સિંગલ ક્લિક દ્વારા આ સેવાઓ ઉપલબ્ધ બને.

સેક્શન ઓફિસરે સરકારી કાર્યપદ્ધતિમાં પત્રવ્યવહારની સરળતા માટે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલા ઈ-સરકાર તથા કર્મચારીઓને લગતી માહિતી તથા કર્મચારીને લગતા પેન્શન, બદલી, બઢતી સહિતની વિગતો જેના પર ઉપલબ્ધ બનાવાઈ છે તેવા કર્મયોગી પોર્ટલના ઉપયોગ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

સરકારી કાર્યપદ્ધતિમા ડિજિટલ માધ્યમના ઉપયોગથી કાર્યપદ્ધતિ સરળ થવા સાથે ઝડપી, અસરકારક અને પારદર્શક બની છે. આ ઉપરાંત તેમાં ઉત્પાદકતા વધે છે અને વારંવાર કરવાના થતાં કાર્યોમાં સરળતા આવે છે.

વર્તમાનમાં દેશ અને દુનિયાની તમામ સરકારો ગુડ ગવર્નન્સ માટે ઈ-ગવર્નન્સનો ઉપયોગ કરી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમાં કદમથી કદમ મિલાવીને સામાન્ય નાગરિકો અને કર્મચારીઓની વિગતો ડિજિટલી ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ભવિષ્યમાં પણ આ સુવિધાઓ સમયાનુકૂલ રીતે અપડેટ થતી રહેવાની છે. વગેરે વિગતોથી તેમણે ઉપસ્થિત અધિકારીઓને માહિતગાર કર્યા હતાં.

આ અવસરે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢવી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા સહિત ગીર સોમનાથ વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment