ઔદ્યોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

 હિન્દ ન્યુઝ, ભુજ

                     જિલ્‍લામાં ભૂકંપ પછી મોટી સંખ્‍યામાં ઔદ્યોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્‍ટ્રાકટરો તરફથી મળે તે જોવું ઈચ્‍છનીય છે.

           આથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્‍યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયને લગતી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રહેશે.

           ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાનાં અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

         આ હુકમ સમગ્ર જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment