હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લામાં ભૂકંપ બાદ રાજ્ય સરકારની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા છે અને ઔદ્યોગિક એકમોમાં રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજૂરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય, તે ખૂબજ જરૂરી હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાકટર પાસેથી મેળવેલ મજૂરો બાબતે કાર્ય પધ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે.
દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાકટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનર, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ લેબર કોન્ટ્રાકટરોઓ, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાકટરોએ મજૂર પુરા પાડતા પહેલા સબંધિત મદદનીશ મજૂર કમિશનર, પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે.
નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાકટરોએ જુદા જુદા ઔદ્યોગિક એકમોને પુરા પાડેલ મજૂરોની યાદી મદદનીશ કમિશનર, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષક, ભુજ અને ગાંધીધામને દર માસે પુરી પાડવાની રહેશે. તેમાં મજૂરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગતો આપવાની રહેશે. પુરા પાડેલ મજૂરોની ઓળખ સાબિત કરવા માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાકટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે. અને માંગણી થયે રજુ કરવાની રહેશે. કામે રાખેલ મજૂરો પૈકી મજૂરો છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મદદનીશ મજૂર કમિશનર, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તેમજ પૂર્વ ગાંધીધામને આપવાની રહેશે. એમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઔદ્યોગિક એકમોએ રોકેલ લેબર કોન્ટ્રાકટરોની માહિતી દર માસે પોલીસ અધિક્ષક, ભુજ તથા ગાંધીધામ ખાતે મદદનીશ મજૂર કમિશનર, કચેરીને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરોએ કામે રાખેલ મજૂરોની સંપૂર્ણ વિગતો તથા ફોટા સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. તે મદદનીશ મજૂર કમિશનર, ગાંધીધામ પાસેથી સહી, સિકકા કરાવેલ હોવું જોઇએ. જિલ્લા/રાજ્ય બહારથી પુરા પાડેલ મજૂરોનું જે તે જિલ્લા/ રાજ્યનું પુરૂં સરનામું ફોટો સહિત રજિસ્ટરમાં પુરાવાના આધારે નોધવું જોઇએ. કોઇપણ લેબર કોન્ટ્રાકટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔદ્યોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાકટરોથી મજૂરો મેળવી શકશે નહીં.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં. જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાનાં અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
